(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં સાંકડી વધઘટ નોંધાઈ હતી, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી એક ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.
આમ વૈશ્ર્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૨થી ૧૪૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૦૦ના ઉછાળા સાથે ફરી રૂ. ૮૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પ્રબળ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૦૦ની તેજી સાથે રૂ. ૮૨,૩૪૨ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૪૨ ઘટીને રૂ. ૭૧,૨૧૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૪૨ના ઘટાડા સાથે રૂ. ૭૧,૫૦૨ના મથાળે રહ્યા હતા. આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી તેમ જ ઈઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધવિરામના આશાવાદને કારણે સલામતી માટેની માગ પણ નિરસ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૧૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૧૧.૫૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૦૯ ટકા ઘટીને ૨૩૧૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૫ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ઈઝરાયલે રફાહ પર કરેલા હુમલાને ધ્યાનમાં લેતા અમેરિકી પ્રમુખે શસ્ત્રોનો પુરવઠો બંધ કરવાની સાથે ઈઝરાયલ હમાસ વચ્ચે શાંતિ થવાનો આશાવાદ સેવાઈ રહ્યો હોવાથી સોનામાં સલામતી માટેની માગ ઓસરી ગઈ છે. જોકે, ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા હાલમાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ રહેતા હોવાનું વિશ્ર્લેષકો જણાવતાં ઉમેરે છે કે હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોય તેમ જણાય છે.