ચાંદી ₹ ૪૫૩ ઝળકી, સોનામાં ₹ ૪૭નો મામૂલી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત સપ્તાહ દરમિયાન ફેડરલનાં અંદાજે ૧૦ સભ્યોના વક્તવ્યોને ધ્યાનમાં લેતાં સાવચેતીના અભિગમ વચ્ચે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મુખ્યત્વે ચાંદીમાં સ્ટોકિસ્ટો અને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૫૩ ઉછળી આવ્યા હતા, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭નો ધીમો સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની મધ્યસત્ર બાદ નીકળેલી આક્રમક લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૫૩ના ઉછાળા સાથે રૂ. ૬૯,૯૦૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭નો સાધારણ સુધારો આવ્યો હતો અને ૯૯.૫ ટચ તથા ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૦૨૨ અને રૂ. ૬૨,૨૭૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલી પાંખી હતી, જ્યારે રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની મોસમની છૂટીછવાઈ માગ રહી હોવાનું બજારનાં સાધનોએ ઉમેર્યું હતું.
આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૫.૨૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૨૦૪૪.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૬૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈને ટેકે સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના અને ક્ધઝ્યુમર સ્પેન્ડિંગના ડેટા પર સ્થિર હોવાને કારણે સુધારો મર્યાદિત રહ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું. વધુમાં આ સપ્તાહ દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વનાં ૧૦ અધિકારીઓ તેમનું વક્ત્વય આપવાના હોવાને કારણે પણ રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.