ચાંદી ₹ ૯૫૭ ચમકી, સોનું ₹ ૪૪૪ ઝળક્યું
મુંબઈ: આજે મોડી સાંજે અમેરિકાનાં ગત મે મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં એક ટકા જેટલો અને ચાંદીના ભાવમાં ૦.૫ ટકા જેટલો ઉછાળો આવ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૯૫૭ ઉછળીને રૂ. ૮૮,૦૦૦ની સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૨થી ૪૪૪નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો આવ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટી હોવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૯૫૭ની તેજી સાથે રૂ. ૮૮,૦૦૦ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ ગઈકાલે વિશ્ર્વ બજારમાં ભાવ વધી આવ્યા બાદ આજે પણ સુધારો આગળ ધપતા ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૨ વધીને રૂ. ૭૧,૫૪૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૪૪ વધીને રૂ. ૭૧,૮૩૫ના મથાળે રહ્યા હતા.
દરમિયાન ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો વધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૨૪.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે જૂન અંતનાં ત્રિમાસિકગાળામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ચાર ટકા જેટલો વધારો થયો છે. આમ સતત ત્રીજા ત્રિમાસિકગાળામાં આગેકૂચ જોવા મળી છે.