વેપાર

ચાંદી રૂ. ૬૫૧ ઉછળીને રૂ. ૭૬,૦૦૦ની પાર, સોનામાં રૂ. ૧૦૫નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા ઑક્ટોબર મહિનાના ફુગાવામાં અઢી વર્ષનો સૌથી ઓછો વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરશે અને વહેલી તકે વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે એવો આશાવાદ પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો આગળ વધ્યો હતો.


જોકે, સોનામાં ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેવા ઉપરાંત આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં ભાવવધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪થી ૧૦૫ સુધી મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૬૫૧ના ચમકારા સાથે રૂ. ૭૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૬૫૧ વધીને રૂ. ૭૬,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૭૬,૫૮૫ના મથાળે રહ્યા હતા. જોકે, મધ્યસત્ર દરમિયાન સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૪ વધીને રૂ. ૬૨,૪૬૧ના મથાળે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૦૫ વધીને રૂ. ૬૨,૭૧૨ના મથાળે રહ્યા હતા.


ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં અઢી વર્ષનો સૌથી ઓછો વધારો થયો હોવાના નિર્દેશો સાથે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાત શરૂ કરે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને અનુક્રમે ૨૦૪૨.૫૮ ડૉલર અને ૨૦૬૨.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


અત્રે નોંધનીય બાબત એ છે કે ગત નવેમ્બર મહિનામાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઔંસદીઠ ૬૦ ડૉલર કરતાં વધુ માત્રામાં વૃદ્ધિ થઈ છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૨૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજના ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્યમાં તેઓ વ્યાજદરમાં કપાત અંગે કોઈ દિશા નિર્દેશ આપે છે કે કેમ તેના પર રોકાણકારોની નજર સ્થિર થઈ છે. પૉવૅલના વ્યાજદર અંગેના અણસાર જ સોનાના ભાવમાં તેજી-મંદીનો અણસાર આપશે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.

એકંદરે અમેરિકાના ફુગાવાના ડેટા સારા આવ્યા હોવાથી ટ્રેડરો જે અગાઉ ફેડરલ રિઝર્વ મે, ૨૦૨૪માં વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા મૂકી રહ્યા હતા તેઓ હવે માર્ચ મહિનાથી કપાતની ધારણા મૂકી રહ્યા હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં સોનાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button