
સ્થાનિકમાં ચાંદી રૂ. 6850 ઉછળીને 1.59 લાખની પાર, સોનામાં રૂ. 531નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ઈઝરાયલ હમાસ વચ્ચે શાંતિ કરારની પહેલા તબક્કાની ડીલ થઈ હોવાના અહેવાલો સાથે આજે વિશ્વ બજારમાં ખાસ કરીને સોનામાં તેજીએ થાક ખાધો હતો, પરંતુ સોનાની તેજી અટકવાની સાથે ચાંદીમાં ઉછાળો આવ્યો હતો અને ભાવ 1.6 ટકાની તેજી સાથે વિક્રમ સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં કિલોદીઠ રૂ. 6850નો ઉછાળો આવ્યો હતો અને ભાવ રૂ. 1,59,000ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 529થી 529નો ધીમો સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીના આકર્ષણ ઉપરાંત રોકાણલક્ષી માગને ટેકે હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6850ની ઝડપી તેજી સાથે રૂ. 1,59,550ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદીથી દૂર રહ્યાના અહેવાલ હતા. વધુમાં આજે ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલ સાથે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં હાજરમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 529 વધીને રૂ. 1,22,138ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 531 વધીને રૂ. 1,22,629ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં છૂટીછવાઈ રોકાણલક્ષી માગ જોવા મળી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં ઈઝરાયલ-હમાસ વચ્ચેના શાંતિ કરારના અહેવાલોને કારણે સલામતી માટેની માગ નબળી પડતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 4035.07 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. જોકે, ગઈકાલે એક તબક્કે હાજરમાં ભાવ વધીને આૈંસદીઠ 4059.05 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધુ કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર હોવાથી સોનામાં અન્ડરટોન મક્કમ જ જોવા મળી રહ્યો છે. વધુમાં આજે સોનામાં તેજી અટકવાની સાથે ચંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.6 ટકાની તેજી સાથે આૈંસદીઠ 49.65 ડૉલરની વિક્રમ સપાટી આસપાસ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 70 ટકાની તેજી આવી ગઈ છે.
એકંદરે હાલના તબક્કે ચાંદીમાં લેણનાં ઓળિયા વધુ હોવાથી મજબૂત પરિબળોને ટેકે તેજીનું વલણ જળવાઈ રહે તેવી શક્યતા અગ્રણી વિશ્લેષક રોઝ નોર્મને વ્યક્ત કરી હતી. આજે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગાઝામાં યુદ્ધ વિરામની યોજના હેઠળ ઈઝરાયલ-હમાસ વચ્ચેની શાંતિ કરારની પહેલી ડીલની જાહેરાત કરી હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આવ્યો હોવાથી સોનાની તેજીને બે્રક લાગી હોવાનું અન્ય એક વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આજે તેજીએ થાક ખાધો હોવા છતાં સોનાની તેજીના પરિબળો હજુ અકબંધ છે.
ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં કટોકટી, યુક્રેન યુદ્ધ, કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી, સોનાના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં લેવાલી ઉપરાંત ટૅરિફની અનિશ્ચિતતાઓ જેવાં કારણો સોનાની તેજી માટેના મુખ્ય પરિબળો છે. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનામાં વર્ષ 1979ની તેલની કટોકટી પછી સૌથી વધુ 53 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.