
સ્થાનિક ચાંદી રૂ. 1479 ચમકીને રૂ. બે લાખની પાર, સોનામાં રૂ. 157નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં આયાત પડતરો વધી આવતાં હાજર અને વાયદાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં પુરવઠાખેંચની સ્થિતિ અને ઔદ્યોગિક માગ પ્રબળ રહેતાં ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 66.88 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચીને પાછા ફર્યાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મુખ્યત્વે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1479ના ઉછાળા સાથે રૂ. બે લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 157નો સાધારણ સુધારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1479ની તેજી સાથે રૂ. 2,01,120ના મથાળે રહ્યા હતા. જોકે, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે વેરારહિત ધોરણે સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 157 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,31,944ના મથાળે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1,32,474ના મથાળે રહ્યા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર તાજેતરમાં સોનાના ભાવ ઊંચી સપાટી આસપાસ હોવાથી પ્રવર્તમાન લગ્નસરાની અપેક્ષિત માગનો વસવસો જણાય છે, તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની માગ પણ નિરસ રહે છે.
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 4324.47 ડૉલર અને 4355.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 66.88 ડૉલરની વિક્રમ સપાટી દાખવ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 66.02 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં ચાંદીના ભાવમાં 129 ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતા સોના અને ચાંદીની તેજીએ થાક ખાધો હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવ્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાત માટેના મુખ્ય પરિબળ ગણાતા ગત નવેમ્બર મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે જાહેરાત થનાર છે. જોકે, તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમા ફુગાવામાં વર્ષાનુવર્ષ ધોરણે 3.1 ટકાની વૃદ્ધિનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જોકે, ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ફેડરલના નવા અધ્યક્ષ રેટકટની તરફેણ કરે તેવા હશે અને આગામી વર્ષે વ્યાજદરમાં ઘણી કપાત જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વર્ષના આરંભમાં ટ્રમ્પ જૅરૉમ પૉવૅલના અનુગામીની જાહેરાત કરશે. જોકે, હાલમાં બજાર વર્તુળો આગામી વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ બે વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે.



