
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે થનારી અમેરિકાના નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ઘટ્યા મથાળેથી ૦.૧ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૦.૨ ટકાનો સુધારો હતો.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૬૭ના ઘટાડા સાથે રૂ. ૬૭,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૬૭ના ઘટાડા સાથે રૂ. ૬૭,૦૦૦ની સપાટીની અંદર ઉતરીને રૂ. ૬૬,૬૩૭ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ છૂટીછવાઈ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલી નિરસ રહેવાની સાથે રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૮ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૨૫૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૪૭૭ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નવેમ્બર, ૨૦૨૨ પછીની ઊંચી સપાટીએથી પાછો ફર્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ૧૬ વર્ષની ઊંચી સપાટીએથી પાછી ફરતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલની ૧૮૧૯.૫૨ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૦.૯૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ફુગાવા પર બહુ પરિમાણીય અસરો થતી હોવાનું સ્કોર્પિયન મિનરલ્સ લિ.નાં ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર માઈકલ લૅગફોર્ડે જણાવતાં ઉમેર્યું હતું કે વ્યાજદરમાં વધુ વધારો ન થાય તે માટે બેરોજગારીમાં વધારો અને ઈંધણના નીચા ભાવ આવશ્યક છે. આથી જ ગઈકાલે ફેડરલ રિઝર્વના અધિકારીઓએ ટ્રેઝરીની યિલ્ડમાં થઈ રહેલા વધારાની અર્થતંત્ર પર માઠી અસર પડવાની ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે, તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતું હોવાથી રોકાણકારો સોના જેવી વ્યાજની ઉપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણથી દૂર રહેતા હોવાથી સોનાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટમાં સોનાનું હોલ્ડિંગ ઘટીને ઑગસ્ટ, ૨૦૧૯ પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યું છે.