ચાંદીમાં મક્કમ વલણ સાથે ડિસેમ્બર સુધી ભાવ આૈંસદીઠ 55 ડૉલર આસપાસ રહેવાની શક્યતાઃ હિન્દુસ્તાન ઝિન્ક...
વેપાર

ચાંદીમાં મક્કમ વલણ સાથે ડિસેમ્બર સુધી ભાવ આૈંસદીઠ 55 ડૉલર આસપાસ રહેવાની શક્યતાઃ હિન્દુસ્તાન ઝિન્ક…

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે કથળેલા વેપારો અને રોકાણના અન્ય સાધનોમાં પ્રવર્તી રહેલી અસ્થિરતાને ધ્યાનમાં લેતા માગને ટેકે આગામી ડિસેમ્બર મહિના સુધી ચાંદીના ભાવ મક્કમ વલણ સાથે આૈંસદીઠ 55 ડૉલર આસપાસ રહે તેવી શક્યતા વેદાન્તા જૂથની કંપની હિન્દુસ્તાન ઝિન્ક લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અરુણ મિશ્રાએ જણાવ્યું હતું.

હિન્દુસ્તાન ઝિન્કનો ચાંદીના વૈશ્વિક ઉત્પાદન કરતી મુખ્ય પાંચ કંપનીઓમાં સમાવેશ થાય છે અને દેશમાં ચાંદીનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે. અગાઉ જાન્યુઆરી સુધીમાં ચાંદીના ભાવ આૈંસદીઠ 46 ડૉલર સુધી પહોંચે તેવો અંદાજ મૂકવામાં આવ્યો હતો, પરંતુ હાલના તબક્કે જ આ અંદાજ પાર થઈ ગયો છે અને હવે આગામી ડિસેમ્બર સુધીમાં મક્કમ વલણ સાથે ભાવ આૈંસદીઠ 50થી 55 ડૉલર આસપાસ રહે તેવો મારો અંદાજ છે, એમ મિશ્રાએ ઉમેર્યું હતું.

નોંધનીય બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ગત ગુરુવારના રોજ ચાંદીના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 54.49 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, ત્યાર બાદ શુક્રવારે ભાવ 4.36 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 51.90 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા.

એકંદરે વૈશ્વિક સ્તરે કથળેલા વેપારો અને રોકાણના અન્ય સાધનોમાં સ્થિરતાનો અભાવ રહેતાં લોકો કિંમતી ધાતુઓ અને બેઝ મેટલમાં રોકાણ કરવા તરફ વળ્યા હોવાનું મિશ્રાએ જણાવતાં ઉમેર્યું હતું કે ઝિન્કના વધી રહેલા ભાવ પણ રોકાણકારોનો આ પ્રકારની અસ્ક્યામતોમાં વધેલો વિશ્વાસ દર્શાવે છે. વધુમાં ચાંદીના ભાવમાં વધારાનું અન્ય મુખ્ય કારણ પુરવઠાખેંચ તેમ જ વિશ્વભરમાં સોલાર એનર્જી તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાથી ચાંદીમાં વપરાશી માગ વધી રહી છે.

અત્યારે વિશ્વભરમાં રિન્યુએબલ પાવરમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન સમગ્ર દેશમાં મોટાભાગના રણ વિસ્તારોને સૌર ઊર્જાનાં ઉત્પાદનમાં રૂપાંતરિત કરી રહ્યું છે, જે ફક્ત રિન્યુએબલ એનર્જી ઉત્પન્ન કરવાની જ નહીં, પરંતુ રણીકરણને રોકવાની પણ પદ્ધતિ હોવાથી ચીને બે પાંખીયો અભિગમ અપનાવ્યો છે. આમ વધુમાં વધુ સૌર અથવા તો સોલાર ઊર્જાનો અર્થ સોલાર પેનલનું વધુ ઉત્પાદન અને સોલાર પેનલનું ઉત્પાદન વધતાં ચાંદીના વપરાશમાં પણ વધારો જોવા મળશે, એમ તેમણે વિસ્તારપૂર્વક સમજાવ્યું હતું.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025માં હિન્દુસ્તાન ઝિન્કનું ચાંદીનું ઉત્પાદન 687ટનની સપાટીએ રહ્યું હતું, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા છ મહિનામાં ઉત્પાદન 293 ટન થયું છે. વધુમાં વર્તમાન કેલેન્ડર વર્ષ 2025નાં ત્રીજા ત્રિમાસિકગાળામાં ચાંદીનાં ભાવમાં વધારો થયો હોવા છતાં માગ મજબૂત રહેતાં દેશમાં ચાંદીની આયાત 3000 ટનની સપાટીએ રહી હોવાનું મોતીલાલ ઓસ્વાલ ફાઈનાન્સિયલ સર્વિસીસ લિ.એ જણાવ્યું હતું.

નિષ્ણાતોના મતાનુસાર હાલમાં ચાંદીમાં માત્ર રોકાણલક્ષી માગ વધી નથી, પરંતુ સોલાર એનર્જી, ઈલેક્ટ્રિક વાહનો અને એઆઈ (આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ) હાર્ડવૅર ક્ષેત્રની ઔદ્યોગિક માગમાં પણ વધારો થવાથી પુરવઠાખેંચની સ્થિતિ પ્રવર્તી રહી છે અને હવે સોના-ચાંદીની સરાસરી અથવા તો ગોલ્ડ સિલ્વર રેશિયો જે અગાઉ 110 હતો તે હવે ઘટીને 81-82 થયો છે, જે ચાંદીમાં મજબૂતીનો નિર્દેશ આપે છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button