વેપાર અને વાણિજ્ય

ચાંદી ₹ ૪૬૬ ઉછળીને ₹ ૭૬,૦૦૦ની પાર, સોનામાં ₹ ૧૨૧નો સુધારો

મુંબઈ: ગઈકાલે અમેરિકામાં જાહેર થયેલા ઑક્ટોબર મહિનાના ફુગાવામાં અઢી વર્ષનો સૌથી ઓછો વધારો થયો હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરશે અને વહેલી તકે વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરશે એવો આશાવાદ પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં સુધારો આગળ વધ્યો હતો. જોકે, સોનામાં ઊંચા મથાળેથી સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેવા ઉપરાંત આજે ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં ઘટાડો થતાં ભાવવધારો ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૦થી ૧૨૧ સુધી મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ જળવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૪૬૬ના ચમકારા સાથે રૂ. ૭૬,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા.

આજે ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૬૬ વધીને રૂ. ૭૬,૦૦૦ની સપાટી પાર કરીને રૂ. ૭૬,૪૦૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૦ વધીને રૂ. ૬૨,૪૭૭ના મથાળે ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૧ વધીને રૂ. ૬૨,૭૨૮ના મથાળે રહ્યા હતા.

ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સમાં અઢી વર્ષનો સૌથી ઓછો વધારો થયો હોવાના નિર્દેશો સાથે ફેડરલ રિઝર્વ વર્ષ ૨૦૨૪માં વ્યાજદરમાં કપાત શરૂ કરે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને અનુક્રમે ૨૦૪૮.૩૬ ડૉલર અને ૨૦૬૮.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત નવેમ્બર મહિનામાં સોનાના વૈશ્ર્વિક ભાવમાં ઔંસદીઠ ૬૦ ડૉલર કરતાં વધુ માત્રામાં વૃદ્ધિ થઈ છે. તેમ જ વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૨.૭ ટકા જેટલો વધારો નોંધાઈ ગયો છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૩૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે અમેરિકાના ફુગાવાના ડેટા સારા આવ્યા હોવાથી ટ્રેડરો જે અગાઉ ફેડરલ રિઝર્વ મે, ૨૦૨૪માં વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી ધારણા મૂકી રહ્યા હતા તેઓ હવે માર્ચ મહિનાથી કપાતની ધારણા મૂકી રહ્યા હોવાથી તેમ જ ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં સોનાના સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું વિશ્ર્લેષકો જણાવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress