ઔદ્યોગિક માગને ટેકે ચાંદીમાં ₹ ૨૧૩નો સુધારો, સોનું ₹ ૧૮૨ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષનાં આજના મોડી સાંજના વક્તવ્ય પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના વલણને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાનાં નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ચાંદીમાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. ૨૧૩નો સુધારો આવ્યો હતો, જ્યારે સોનામાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૧થી ૧૮૨નો ઘટાડો આવ્યો હતો. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં વધુ છ પૈસા ઘટયો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ૦.૪ ટકા જેટલો ઘટાડો આવ્યો હોવા છતાં સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં ઘટ્યા મથાળેથી વપરાશકાર ઉદ્યોગ તથા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૩ વધીને ફરી રૂ. ૮૮,૦૦૦ની સપાટી વટાવીને રૂ. ૮૮,૦૧૫ના મથાળે રહ્યા હતા, જ્યારે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૮૧ ઘટીને રૂ. ૭૧,૪૦૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૮૨ ઘટીને રૂ. ૭૧,૬૯૨ના મથાળે રહ્યા હતા.
હાલમાં અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડ વધીને ગત મે મહિનાની ઊંચી સપાટી આસપાસ પ્રવર્તી રહી હોવાથી રોકાણકારોનો સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ ઉપરાંત આજનાં મોડી સાંજનાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં વક્તવ્ય પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીનાં અભિગમને કારણે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૨૫.૧૬ ડૉલર અને વાયદામાં ભાવ ઔંસદીઠ ૨૩૩૯.૧૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૩૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજનાં મોડી સાંજના વક્વ્યમાં ફેડરલનાં પ્રમુખ વ્યાજદરમાં કપાત અંગેનાં કોઈ નિર્દેશ આપે છે કે કેમ તેનાં પર રોકાણકારોની
નજર છે.
આ ઉપરાંત રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પે રૉલ ડેટા પર પણ મંડાયેલી રહેશે. જોકે, નબળા આર્થિક ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું. ગત જૂન મહિનામાં અમેરિકામાં ઉત્પાદન પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો તેમ જ ઈનપૂટ ખર્ચમાં પણ ઘટાડો થયો હોવાથી ફુગાવામાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.