હૉલમાર્ક થયેલી ચાંદીની ચીજોના ફરજિયાત એચયુઆઈડી

પહેલા ત્રણ મહિનામાં 17 લાખ કરતાં વધુ ચાંદીની ચીજોને એચયુઆઈડી
નવી દિલ્હીઃ દેશમાં હૉલમાર્ક થયેલ ચાંદીના આભૂષણો અને ચાંદીની ચીજોના ફરજિયાત યુનિક આઈડેન્ટિફિકેશન અમલી બનાવાયાના પહેલા ત્રણ મહિનામાં અંદાજે 1.35 લાખ કરતાં વધુ ચાંદીના આભૂષણો અને ચીજોનું હૉલમાર્ક કરવામાં આવ્યું હોવાનું આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે, જે જ્વેલરો અને ગ્રાહકોની હૉલમાર્કિગની સ્વીકૃતિનો નિર્દેશ આપે છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત પહેલી સપ્ટેમ્બર, 2025થી સિલ્વર હૉલમાર્કિંગ સ્કીમ ફરજિયાત ધોરણે અમલી બનાવવામાં આવી હતી અને હૉલમાર્ક થયેલી કોઈપણ પ્રકારની ચાંદીની ચીજોનું હૉલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (એચયુઆઈડી) સ્વૈચ્છિક અથવા તો મરજિયાત બનાવવામાં આવ્યું હતું.
ચાંદીનાં આભૂષણોમાં હૉલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન એ પ્યોરિટીની બાંયધરીની દિશાનું અને બનાવટી ધોરણે થતી હૉલમાર્કિંગની પદ્ધતિઓ નાબૂદ કરવાની દિશાનું એક મહત્ત્વનું પગલું હોવાનું અનાજ અને ગ્રાહક બાબતોના ખાતાના પ્રધાન પ્રલ્હાદ જોશીએ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં જણાવતા ઉમેર્યું હતું કે સ્વૈચ્છિક ધોરણે થતાં હૉલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશનમાં ચાંદીની પ્રત્યેક ચીજોને એક વિશિષ્ટ છ આંકડાનો કોડ આપવામાં આવે છે અને તેને કારણે ગ્રાહકોનાં હિત પણ જળવાય છે.
બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ (બિસ)એ તમામ હૉલમાર્ક થયેલ ચાંદીનાં આભૂષણો અને ચીજો પર પહેલી સપ્ટેમ્બર, 2025થી એચયુઆઈડી ફરજિયાત બનાવ્યું હતું જે ખોટી રીતે થતાં હૉલમાક્રિંગ અટકાવવા અને ગ્રાહકોની સલામતી માટેની દિશાનું એક મહત્ત્વનું પગલું છે. ઉલ્લેખનીય બાબત એ છે કે એચયુઆઈડી એ આંકડા મૂળાક્ષરો સંયોજિત લેઝરથી માર્ક કરવામાં આવેલો કોડ હોય છે અને તમામ હોલમાર્ક ચાંદીની ચીજોની ડિજિટલ ટ્રેસેબિલિટી ધરાવતો હોય છે.
હૉલમાર્ક કરવામાં આવેલી બધી વસ્તુઓમાં શુદ્ધતા ગે્રડ 925 અને 800 અંદાજે 90 ટકા હિસ્સો ધરાવે છે. એચયુઆઈડીની રજૂઆત પછી ગત નાણાકીય વર્ષ 2024-25માં ચાંદીની ચીજોનાં હૉલમાર્કિંગે વેગ પકડ્યો હતો અને ચાંદીની અંદાજે 32 લાખ ચીજોનું હૉલમાર્કિંગ થયું હતું. જોકે, દક્ષિણ ભારતમાં ચાંદીની ચીજોના હૉલમાર્કિંગ સૌથી વધુ થયું હતું, ત્યાર બાદ અનુક્રમે પશ્ચિમ અને પૂર્વ ભારતમાં વધુ થયું હતું. તેમ જ ઉત્પાદનોની શ્રેણીમાં સૌથી વધુ 800 પ્યોરિટી ગે્રડમાં પાયલનું અને 800થી 925 પ્યોરિટી ગે્રડમાં ચાંદીના દીવાનો સમાવેશ થયો હતો.



