
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત મંગળવારે વૈશ્વિક બજારમાં અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવામાં અનપેક્ષિત વધારો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ ગઈકાલે ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ૦.૪ ટકા જેટલો સુધારો આવ્યો હતો. આમ સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન વિશ્વ બજારને અનુસરતા ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૭૪૧નો સુધારો આવ્યો હતો, જ્યારે સોનામાં વધુ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૬નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૪૧ વધીને રૂ. ૬૯,૮૯૧ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૩૬ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૨૦૮ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૪૫૪ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં હાજર તેમ જ વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે ઔંસદીઠ ૧૯૯૨.૩૩ ડૉલર અને ૨૦૦૪.૨૦ ડૉલર આસપાસની સપાટીએ ટકેલાં રહ્યાં હતાં, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી ૦.૪ ટકાના સુધારા સાથે ભાવ ઔંસદીઠ ૨૨.૪૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવામાં અનપેક્ષિત વધારો થતાં ફેડરલ રિઝર્વ વહેલાસર વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓસરી જતાં ગત મંગળવારે ન્યૂ યોર્ક ખાતે મંગળવારે સોનાના ભાવમાં ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ ગઈકાલે ધીમો સુધારો આવ્યો હતો. જોકે ગઈકાલે ફેડરલનાં સુપરવિઝન માટેનાં વાઈસ પ્રેસિડૅન્ટે વ્યાજદરમાં ઘટાડો કરવામાં સાવચેતીભર્યું વલણ અપનાવાની અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તાકીદ કરી હતી, જ્યારે શિકાગો ફેડના પ્રમુખ ઑસ્ટિન ગુલ્સબીએ વ્યાજદરમાં કાપ મૂકવામાં વધુ વિલંબ કરવા અંગે ચેતવણી ઉચ્ચારી હતી.
આમ બન્ને અધિકારીઓની ટીપ્પણીને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સોનાના ભાવ અથડાઈ ગયા હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સોનાના ભાવ કોન્સોલિડેશનના તબક્કામાં છે તેમ છતાં આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટા વધુ ચિત્ર સ્પષ્ટ કરશે. વધુમાં હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૫૦ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.