સ્ટોકિસ્ટોની વેચવાલીએ ચાંદીમાં ₹ ૩૮૦ તૂટ્યા, સોનામાં ₹ ૩૧૮નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આવતીકાલે જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર રોકાણકારોની નજર હોવાથી સોનામાં સુધારો આગળ ધપ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવમાં પણ ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૭થી ૩૧૮નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૮૦નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક ચાંદીના ભાવમાં ધીમો સુધારો આવ્યો હોવા છતાં સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૩૮૦ ઘટીને રૂ. ૭૩,૮૮૮ના મથાળે રહ્યા હતા. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં પણ ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૩૧૭ વધીને રૂ. ૬૨,૨૧૨ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૧૮ વધીને રૂ. ૬૨,૪૬૨ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટી આસપાસ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૨.૯૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૫૦.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૮૯ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર નબળો પડ્યો હોવા છતાં આવતીકાલે અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટાની જાહેરાત પર નજર હતી. જો આ ડેટા બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવશે તો શક્યત: સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળે તેવી શક્યતા એબીસી રિફાઈનરીનાં ઈન્સ્ટિટ્યૂશનલ માર્કેટ વિભાગના ગ્લોબલ હેડ નિકોલસ ફ્રેપેલે જણાવ્યું હતું. જોકે, તાજેતરમાં જાહેર થયેલા અમેરિકાના આર્થિક ડેટા નબળા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાત કરવાની શરૂઆત કરે એવો રોકાણકારોમાં આશાવાદ થતાં સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. હાલમાં કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી રહેતી હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરથી ઉપરની સપાટી આસપાસ જળવાઈ રહે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.