ચાંદીમાં ₹ ૧૭૩નો અને સોનામાં ₹ ૧૭૫નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ થતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો, પરંતુ આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા અને આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠકને ધ્યાનમાં લેતાં રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હતો. એકંદરે વિશ્ર્વ બજારનાં પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૪થી ૧૭૫નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૭૩નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૭૩ ઘટીને રૂ. ૭૧,૫૭૫ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નિરસ માગ તેમ જ રિટેલ સ્તરની લગ્નસરાની લેવાલી પણ છૂટીછવાઈ રહેતાં વિશ્ર્વ બજારથી વિપરીત ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૭૪ ઘટીને રૂ. ૬૧,૦૩૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૭૫ ઘટીને રૂ. ૬૧,૨૭૭ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા ઉપરાંત આજથી શરૂ થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર રોકાણકારોની નજર હોવાથી લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. તેમ છતાં આજે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૧૯૮૪.૩૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૩ ટકા વધીને ૧૯૯૯.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૮૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
બજાર વર્તુળોની ધારણા અનુસાર અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત માટે આક્રમક વલણ નહીં અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં હાલ સોનામાં પ્રોફિટ બુકિંગ દોવા મળી રહ્યું છે. ગત સપ્તાહે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ધૂંધળી બની હોવાનું એક વરિષ્ઠ વિશ્ર્લેષકે જણાવ્યું હતું. હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડરલ રિઝર્વ આગામી મે મહિનામાં વ્યાજદરમાં કપાત કરે તેવી ૭૭ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે. જોકે, રૉઈટર્સના વિશ્ર્લેષકો અનુસાર હાલમાં વૈશ્ર્વિક સોનામાં ઔંસદીઠ ૧૯૭૭ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થશે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને ૧૯૪૪થી ૧૯૬૨ આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી ધારણા તેઓ વ્યક્ત કરી રહ્યા છે.