વિશ્વ બજારથી વિપરીત ચાંદીમાં નફારૂપી વેચવાલીએ રૂ. 1867નો ઘટાડો, રૂપિયો બાઉન્સબૅક થતાં સોનામાં રૂ. 339ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ટૅરિફની અનિશ્ચિતતાના માહોલ અને અમેરિકાના જૂન મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 1867નો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસાના બાઉન્સબૅક સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો ઘટી આવતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 337થી 339 ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર 999 ટચ ચાંદીમાં ગઈકાલે કિલોદીઠ રૂ. 3577નો તોતિંગ ઉછાળો આવ્યા બાદ આજે મધ્યસત્ર દરમિયાન ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 1867ના ઘટાડા સાથે રૂ. 12,000ની સપાટીએ રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં પણ ખાસ કરીને રૂપિયામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હોવાથી આયાત પડતરો ઘટી આવતા મધ્યસત્ર દરમિયાન વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 337 ઘટીને રૂ. 97,572 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 339 ઘટીને રૂ. 97,964ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહી હતી.
ઈ-કૉમર્સ અને નિકાસ પ્રોત્સાહન સહિતના વિસ્તરણ માટે નિપ્પોનપ્લાય ₹ 250 કરોડનું રોકાણ કરશે
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે વૈશ્વિક સ્તરે વેપારને લગતા તણાવને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા વધીને આૈંસદીઠ 3359.01 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 3368.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલે એક તબક્કે વધીને 14 વર્ષની ટોચેથી પાછા ફર્યા બાદ આજે પુનઃ ઘટ્યા મથાળેથી 0.5 ટકા વધીને આૈંસદીઠ 38.32 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં સોનાને ટૅરિફનાં તણાવને ધ્યાનમાં લેતા સલામત અસ્ક્યામત તરીકેનાં સાધન તરીકેનો ટેકો મળી રહ્યો હોવાથી આૈંસદીઠ 3350 ડૉલરની સપાટી પાર કરી ગયા છે અને તેજી આગળ ધપી શકે તેમ હોવાનું કેસીએમ ટ્રેડનાં એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે હાલની સોનાની તેજીમાં ડૉલર અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની મજબૂતી અવરોધક ન બને તો ભાવ 3400 ડૉલર સુધી પહોંચી શકે છે.
નોંધનીય બાબત એ છે કે ગત શનિવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ધમકી ઉચ્ચારી હતી કે જો ટ્રેડ ડીલ નહીં થાય તો આગામી પહેલી ઑગસ્ટથી મેક્સિકો અને યુરોપિયન યુનિયનથી થતી આયાત સામે 30 ટકા ટૅરિફ લાદવામાં આવશે. અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી નીતિવિષયક બેઠક 29-30 જુલાઈના રોજ યોજાનાર છે અને નીતિવિષયક નિર્ણયપર અસર કરનાર અમેરિકાના જૂન મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે જાહેર થનાર હોવાથી રોકાણકારોની મીટ ફુગાવાના ડેટા પર મંડાયેલી છે. જોકે, આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મુકી રહ્યા છે.