વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૧૪૫૮ ગબડી, શુદ્ધ સોનું ₹ ૧૯૬ તૂટીને₹ ૫૯,૦૦૦ની અંદર
મુંબઈ: લંડન ખાતે આજે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૫૮ ગબડીને રૂ. ૭૨,૦૦૦ની અંદર ઉતરી ગયા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી સામે સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૫થી ૧૯૬ ઘટી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. ૫૯,૦૦૦ની સપાટી ગુમાવી હતી.
આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪૫૮ના કડાકા સાથે રૂ. ૭૧,૫૫૭ના મથાળે રહ્યા હતા. તેમ જ સોનામાં પણ સ્ટોકિસ્ટોની વેચવાલી ઉપરાંત વધુ ભાવઘટાડાના આશાવાદે રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકો પણ નવી લેવાલીથી દૂર રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૯૫ના ઘટાડા સાથે રૂ. ૫૮,૬૯૭ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૯૬ના ઘટાડા સાથે રૂ. ૫૮,૯૩૩ના મથાળે રહ્યા હતા.