વેપાર

ચાંદીએ ₹ ૨૨૬૯ના ઉછાળા સાથે ₹ ૭૨,૨૦૦ની સપાટી વટાવી

બુલિયન બજારમાં જોરદાર તેજી, સોનું ₹ ૬૦,૬૦૦ની ઉપર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના તેજીના સંકેત અને તહેવારલક્ષી લેવાલીનો ટેકો મળવાને કારણે ઝવેરી બજારમાં તેજીની ચમક પાછી ફરી હતી. બુલિયન બજારમાં જોરદાર તેજી, ચાંદીએ રૂ. ૨૨૬૯ના ઉછાળા સાથે રૂ. ૭૨,૨૦૦ની સપાટી વટાવી નાંખી છે, જ્યારે સોનામાં રૂ. ૫૪૭નો ઉછાળો જોવા મળ્યો છે. વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતુના ભાવ ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

પ્રારંભિક સત્ર દરમિયાન ચાંદી ૬૯,૯૫૧ના પાછલા બંધ સામે એક કિલોદીઠ રૂ. ૧૮૭૧ના જોરદાર ઉછાળા સાથે રૂ. ૭૧,૮૦૦ની સપાટી વટાવી રૂ. ૭૧,૮૨૨ના સ્તરે પહોંચી હતી. એ જ સાથે, ૯૯૯ ટચનું સોનું પણ રૂ. ૬૦,૦૭૧ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૪૩૧ના ઉછાળા સાથે રૂ. ૬૦,૫૦૨ની સપાટીએ પહોંચ્યું હતું જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૪૬૯ ઉછળીને રૂ. ૬૦,૦૦૦ વટાવી ગયું હતું.
સત્રને અંતે .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૨૨૬૯ના જોરદાર ઉછાળા સાથે રૂ. ૭૨,૨૨૦ની સપાટીએ સ્થિર થઇ હતી. જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું પણ રૂ. ૫૯,૭૯૧ પ્રતિ દસ ગ્રામના પાછલા બંધ સામે રૂ. ૪૬૯ના ઉછાળા સાથે રૂ. ૬૦,૨૬૦ની સપાટી વટાવતું અંતે રૂ. ૫૮૪ના ઉછાળા સાથે રૂ. ૬૦,૩૭૫ સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૪૭ ઉછળીને રૂ. ૬૦, ૬૧૮ની સપાટીએ સ્થિર થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button