બુુલિયન બજારમાં આગેકૂચ, ચાંદી ₹ ૯૮,૫૦૦ની નજીક: ઊંચા ભાવે ઘરેણાંનું વેચાણ નીચું રહેશે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બુુલિયન બજારમાં આગેકૂચ મંગળવારે પણ જારી રહી હતી, જેમાં સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૭૮,૦૦૦ નજીક પહોંચ્યું હતું જ્યારે એક લાખ રૂપિયા તરફ ધસમસતી ચાંદી રૂ. ૯૮,૫૦૦ની નજીક પહોંચી હતી. શેરબજારમાં એફઆઇઆની એકધારી વેચવાલી સાથે અમુક ફંડો દ્વારા સેફ હેવન એસેટ તરફના ડાઇવર્ઝન સહિતના પરિબળોને કારણે કિંમતી ધાતુઓના ભાવ વધી રહ્યાં છે. જોકે, ઊંચા ભાવને કારણે જ્વેલરીની માગમાં ઓટ આવી રહી હોવાના પણ અહેવાલો છે. દેશના જ્વેલર્સ અને રિટેલર્સ એવી આશંકા વ્યકત કરી રહ્યા છે કે દેશના પાટનગરમાં સોનાના ભાવ રૂ. ૮૦,૦૦૦ની નજીક અને ચાંદી રૂપિયા એક લાખનો ભાવ વટાવી ગઇ હોવાથી આ વખતે દિવાળી અને ધનતેરસમાં ઊંચા ભાવે ઘરાકી રૂંધાશે. ક્સ્ટમ જકાતમાં ઘટાડો થયો હોવા છતાં વેચાણ વધવાની આશા નથી. જોકે, ચાંદીના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. દિલ્હી ખાતે ચાંદી એક લાખ રૂપિયા વટાવી ગઇ છે.
ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાના ભાવ રૂ. ૭૮,૨૧૪ના પાછલા બંધ સામે રૂ. ૭૮,૨૩૨ની સપાટીએ ખૂલીને દસ ગ્રામદીઠ માત્ર એક રૂપિયાના વધારા સાથે રૂ. ૭૮,૨૧૫ની સપાટીએ સ્થિર થયા હતા. જ્યારે ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૭૭,૯૦૧ના પાછલા બંધ સામે રૂ. ૭૭,૯૧૯ની સપાટીએ ખૂલીને દસ ગ્રામે રૂ. ૩૭ના વધારા સાથે રૂ. ૭૭,૯૩૮ની સપાટીએ સ્થિર થયા હતા.
જોકે, ચાંદીના માગમાં વૈશ્ર્વિક સ્તરે સતત વધારો થઇ રહ્યો હોવાથી .૯૯૯ ટચની હાજર ચાંદીના ભાવ રૂ. ૯૭,૨૫૪ના પાછલા બંધ સામે રૂ. ૯૭,૬૩૫ની સપાટીએ ખૂલીને એક કિલોદીઠ રૂ. ૧,૧૧૮ના વધારા સાથે રૂ. ૯૮,૩૭૨ની સપાટીએ સ્થિર થયા હતા. બુલિયન ડીલર્સ અનુસાર અમેરિકાની નાણાકીય નીતિમાં સંભવિત ફેરફારો અને વૈશ્ર્વિક તણાવને કારણે શેરબજાર હચમચી ગયું છે. લોકો શેરબજારમાંથી પૈસા કાઢીને સોનામાં રોકાણ કરી રહ્યા છે. સોનાને હંમેશા સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. માગ વધવાને કારણે ભાવ સતત વધી રહ્યા છે. જોકે, સ્થાનિક સ્તરે ભાવ વધુ પડતા ઊંચા જવાથી જ્વેલરીની ઘરાકી રૂંધાઇ રહી છે.
એક અન્ય ડીલરે કહ્યું હતું કે, તહેવારોની સિઝનમાં માગમાં વધારો પણ સોના અને ચાંદીના ભાવમાં વધારાનું મુખ્ય કારણ છે. આ સાથે મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોનાચાંદીમાં રોકાણ વધારી રહ્યા છે. ચાંદીની કિંમત ૩૪-૩૬ ડોલર સુધી પહોંચી શકે છે.
ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં એક કિલો ચાંદીનો ભાવ રૂ. એક લાખને પાર કરી ગયો છે. સોનાની સાથે ચાંદીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ વૈશ્ર્વિક બજારમાં પણ ચાંદીની માંગ ઝડપથી વધી રહી છે. યુએસબીનો અંદાજ છે કે ૨૦૨૪ના અંત સુધીમાં ચાંદીની કિંમત ૩૪-૩૬ ડોલર સુધી પહોંચી શકે છે. જેપી મોર્ગનનું અનુમાન છે કે વર્ષ ૨૦૨૫ સુધીમાં ચાંદીની સરેરાશ કિંમત ૩૬ પ્રતિને પાર કરી શકે છે.