ચાંદીએ ₹ ૭૪,૦૦૦ની સપાટી માંડ ટકાવી, સોનામાં સાધારણ સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં સતત બીજા દિવસે મજબૂત ટ્રેન્ડ રહ્યો હોવા છતાં સ્થાનિક સોનાચાંદી બજારમાં બુધવારના સત્રમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વિરોધાભાસી ચાલ જોવા મળી હતી. સોનાના ભાવમાં સાધારણ સુધારા સામે ચાંદીમાં ફરી પીઠેહઠ નોંધાઇ હતી અને તે રૂ. ૭૪,૦૦૦ની સપાટી માંડ ટકાવી શકી હતી. મુંબઇ ઝવેરી બજારમાં સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૬૩,૦૦૦ની સપાટી તરફ આગળ વધી રહ્યા છે. વિદેશી હૂંડિયામણ બજાર (ફોરેક્સ) માર્કેટમાં ડોલર સામે રૂપિયો ૧૬ પૈસા ગબડ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ખાતે ગોલ્ડ પાછલા બંધ સામે સારા સુધારા સાથે ઔંશદીઠ ૨૦૬૭ ડોલર બોલાયું હતુૂં, જયારે સિલ્વરમાં ઘટાડા સાથે ૨૪.૨૫ ડોલર પ્રતિ ઔંશનો ભાવ ક્વોટ થયો હતો. સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાનો ભાવ દસ ગ્રામે રૂ. ૬૩,૦૫૭ની પાછલી બંધ સપાટી સામે ગેપ સાથે રૂ. ૬૩,૧૮૭ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ લેવાલીના ટેકાએ રૂ. ૧૬૬ના વધારા સાથે અંતે રૂ. ૬૩,૨૨૩ની સપાટીએ સ્થિર થયો હતો. એ જ રીતે, ૯૯૫ ટચના સ્ટાન્ડર્ડ સોનાનો ભાવ દસ ગ્રામે રૂ. ૬૨,૮૦૫ની પાછલી બંધ સપાટી સામે ગેપ સાથે રૂ. ૬૨,૯૩૪ની ઊંચી સપાટીએ ખૂલ્યા બાદ લેવાલીના ટેકાએ રૂ. ૧૬૫ના વધારા સાથે અંતે રૂ. ૬૨,૯૭૦ની સપાટીએ સ્થિર થયો હતો.
જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદીનો ભાવ રૂ. ૭૪,૭૫૦ની પાછલી બંધ સપાટી સામે આ સત્રમાં પણ પર્યાપ્ત લેવાલીના ટેકાના અભાવે નીચા ગેપ સાથે રૂ. ૭૪,૩૫૭ની નીચી સપાટીને અથડાઇને સહેજ વધુ ઘટાડા સાથેે અંતે કિલોદીઠ રૂ. ૬૮૬ના ઘટાડા સાથે રૂ. ૭૪,૦૬૪ની સપાટીએ સ્થિર થયા હતા.
દેશાવરમાં દિલ્હી સર્રાફા બજારમાં સ્પોટ ગોલ્ડના ભાવ દસગ્રામે રૂ. ૧૦૦ના વધારા સાથે રૂ. ૬૩,૮૫૦ બોલાયા હતા, જ્યારે સ્પોટ સિલ્વરના ભાવ એક કિલોદીઠ રૂ. ૭૯,૧૦૦ની સામે રૂ. ૩૫૦ના વધારા સાથે રૂ. ૭૯,૪૫૦ બોલાયા હતા.