ચાંદીમાં ₹ ૪૨૯ની આગેકૂચ, સોનામાં ₹ ૩૬નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગત ફેબ્રુઆરી મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ જોવા મળી હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં વૈશ્ર્વિક સોનાની તેજીને બ્રેક લાગતા ગત ફેબ્રુઆરીના મધ્ય પછી પહેલી વખત સાપ્તાહિક ધોરણે ભાવમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં ધીમો સુધારો અને વાયદામાં ટકેલું વલણ રહ્યું હોવાના નિર્દેશો તેમ જ ચાંદીના ભાવમાં ૧.૩ ટકાના ઉછાળા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ જળવાઈ રહેતાં ભાવ વધુ કિલોદીઠ રૂ. ૪૨૯ વધી આવ્યા હતા.
આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોનું સટ્ટાકીય આાકર્ષણ જળવાઈ રહેવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૪૨૯ના સુધારા સાથે રૂ. ૭૪,૨૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક બજારનાં મિશ્ર અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬ના સાધારણ સુધારા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૨૯૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૫૫૯ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાધારણ ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૧૬૨.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, અત્યાર સુધીમાં સાપ્તાહિક ધોરણે ગત ફેબ્રુઆરીના મધ્ય પછીનો સૌથી પહેલો ૦.૫ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૧૬૭.૫૦ ડૉલર આસપાસ ટકેલા ધોરણે ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૫.૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકામાં ગત ફેબ્રુઆરી મહિનામાં વધારો થવાને કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં ઉતાવળ નહીં કરે તેવી શક્યતા પ્રબળ બની હોવાથી આગામી ટૂંકા સમયગાળામાં સોનામાં મોટી તેજીની શક્યતા ન હોવાનું ઈન પ્રુવ્ડ પ્રીસિયસ મેટલ્સના ટ્રેડર હ્યુગો પાસ્કલે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૨૨૦૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા છે. વધુમાં રૉઈટર્સના માર્કેટ વિશ્ર્લેષક વૉંગ તાઉએ આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાના ભાવ ઔંસદીઠ ૨૧૬૯થી ૨૧૭૫ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહેવાની તેમ જ ઔંસદીઠ ૨૧૫૨ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી. જોકે, હાલમાં ૬૧ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા જોઈ રહ્યા છે.