વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૫૭ની આગેકૂચ, ચાંદી રૂ. ૨૩૫ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૬થી ૧૫૭નો સુધારો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સાત પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે ચાંદીમાં વિશ્ર્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૩૫નો ઘટાડો આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ તેમ જ વપરાશકાર ઉદ્યોગ તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૨૩૫ ઘટીને રૂ. ૬૯,૭૪૯ના મથાળે રહ્યા હતા. જોકે આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૬ વધીને રૂ. ૬૨,૩૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૫૭ વધીને રૂ. ૬૨,૬૩૬ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત ૨૫ જાન્યુઆરી પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી પીછેહઠ થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૦૩૫.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા વધીને ૨૦૫૧.૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૨.૪૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ સપ્તાહ દરમિયાન ફેડરલ રિઝર્વના આઠ અધિકારીઓ વકતવ્ય આપવાના હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોવાથી સુધારો મર્યાદીત રહ્યો હતો. જોકે, બહુધા અધિકારીઓ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆતને વહેલાસરની ગણાવે તેવી શક્યતા ટીડી સિક્યોરિટીઝનાં વિશ્ર્લેષક ડેનિયલ ઘલીએ વ્યક્ત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પૂર્વે સોનામાં મક્કમ વલણ જળવાઈ રહેશે અને જો ફુગાવો મંદ પડશે તો પુન: વ્યાજદરમાં વહેલાસર કપાતની શક્યતા સપાટી પર આવતા સોનાની તેજીને ટેકો મળશે, એમ તેમણે ઉમેર્યું હતું.