રવી મોસમમાં સમયસર ફર્ટિલાઈઝરની ઉપલબ્ધિ માટે ચૌહાણનો અધિકારીઓને નિર્દેશ

નવી દિલ્હીઃ વર્તમાન રવી વાવેતરની મોસમ દરમિયાન ખેડૂતોને સમયસર અને સરળતાપૂર્વક ખાતર અર્થાત્ ફર્ટિલાઈઝરનો પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે.
તાજેતરમાં સમીક્ષા હેઠળની બેઠક દરમિયાન અધિકારીઓને રસાયણ અને ખાતર મંત્રાલય સાથે નિકટતાપૂર્વક સહયોગ જાળવવાનું જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે રવી મોસમના મુખ્ય પાક ગણાતા ઘઉંનું દેશનાં ઘણાં હિસ્સાઓમાં વાવેતર શરૂ થઈ ગયું હોવાથી કૃષિ પ્રધાને રવી વાવેતરની તૈયારીઓ અંગે સમીક્ષા કરવાની સાથે ખરીફ પાકનાં સ્ટોકની સ્થિતિની તેમ જ પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની પણ સમીક્ષા કરી હોવાના અહેવાલ હતા.
આપણ વાંચો: વર્ષ 2023-24ઃ દેશમાં ફર્ટિલાઈઝર્સના ઉત્પાદનમાં આટલા ટકાનો વધારો
બેઠક દરમિયાન મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અમુક વિસ્તારોમાં પાકને નુકસાન પણ થયું છે, જ્યારે સારા વરસાદને કારણે અમુક પાકની સ્થિતિ ઘણી સારી છે. આ ઉપરાંત રવી વાવેતર વધવાની સાથે એકંદરે ઉત્પાદનમાં વધારો થવાની શક્યતા પણ યાદીમાં એક અધિકારીએ વ્યક્ત કરી છે.
એકંદરે દેશભરના જળાશયોમાં પાણીનું સ્તર ગત સાલની સરખામણીમાં સારું છે. હાલમાં દેશનાં મુખ્ય 161 જળાશયોમાં પાણીની અનામત દસ વર્ષની સરેરાશ અનુસાર ગત સાલના 103.51 ટકાની સરખામણીમાં વધીને 115 ટકાના સ્તરે રહી હોવાથી કૃષિ ઉત્પાદકતા સારી રહેવાનો નિર્દેશ આપે છે, એમ ચૌહાણે ઉમેર્યું હતું.
આપણ વાંચો: ખેડૂતોને નવા વર્ષની મળી ભેટઃ કેન્દ્ર સરકારની ફર્ટિલાઈઝર પર સબસિડી આપવાની જાહેરાત…
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર પાક વર્ષ 2025-26 (જુલાઈ-જૂન)ની ખરીફ મોસમમાં વાવેતર વિસ્તાર 6.51 લાખ હેક્ટર વધીને 1121.46 લાખ હેક્ટરનાં સ્તરે રહ્યો હતો.
અધિકારીઓના જણાવ્યાનુસાર ટામેટા અને કાંદાનું વાવેતર વેગ પકડી રહ્યું છે. હાલમાં કાંદાનો વાવેતર વિસ્તાર ગત મોસમનાં 3.62 લાખ હેક્ટર સામે વધીને 3.91 લાખ હેક્ટર રહ્યો છે, જ્યારે બટાટાનો વાવેતર વિસ્તાર ગત સાલના 0.35 લાખ હેક્ટર સામે વધીને 0.43 લાખ હેક્ટર તેમ જ ટામેટાનો વાવેતર વિસ્તાર ગત સાલના 1.86 લાખ હેક્ટર સામે વધીને 2.37 લાખ હેક્ટરની સપાટીએ રહ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
વધુમાં અધિકારીઓના જણાવ્યાનુસાર હાલના તબક્કે સરકારી ગોદામોમાં ઘઉં અને ચોખાના સ્ટોકનું સ્તર પણ જરૂરી બફર સ્ટોકની તુલનામાં વધુ છે, જે પુરવઠા સ્થિતિ સ્થિર હોવાનો નિર્દેશ આપે છે.