મથકો પાછળ દેશી તેલમાં ચમકારો, વેપાર પાંખાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૦૧ સેન્ટનો ઉછાળો આવ્યો હોવાના અહેવાલ છતાં આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર વાયદામાં અનુક્રમે ૨૦ રિંગિટ, ૨૧ રિંગિટ અને ૧૭ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલ ઉપરાંત હાજર, ડાયરેક્ટ ડિલિવરી તેમ જ સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહ્યા હોવાથી આયાતી તેલના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. જોકે, આજે મથકો પાછળ સ્થાનિકમાં સિંગતેલ, કપાસિયા રિફાઈન્ડ અને સરસવ તેલના ભાવમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૦ વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે આરબીડી પામોલિનના ૧૦ કિલોદીઠ ભાવમાં અલાનાના ૧૦થી ૨૫ સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. ૯૮૨, ગોલ્ડન એગ્રીના જેએનપીટીથી રૂ. ૯૯૦, મેંગ્લોરથી ૯૮૫ અને કંડલાથી રૂ. ૯૭૫ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે રૂચીના આરબીડી પામોલિન અને સનફ્લાવરના ભાવ અનુક્રમે રૂ. ૯૮૫ અને રૂ. ૧૦૦૦ ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
દરમિયાન આજે હાજરમાં વિવિધ દેશી-આયાતી ખાદ્યતેલના ૧૦ કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. ૯૮૫, સોયા રિફાઈન્ડના રૂ. ૯૯૦, સન રિફાઈન્ડના રૂ. ૯૯૫, સિંગતેલના રૂ. ૧૬૦૦, કપાસિયા રિફાઈન્ડના રૂ. ૧૦૪૫ અને સરસવના રૂ. ૧૨૭૦ના મથાળે રહ્યા હતા, જ્યારે આજે ગુજરાતનાં મથકો પર સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર ૧૫ કિલોદીઠ રૂ. ૨૫૦૦માં અને લૂઝમાં ૧૦ કિલોદીઠ રૂ. ૧૬૧૦માં થયાના અહેવાલ હતા.