આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝને ડિલિસ્ટિંગ માટે શેરધારકોની મંજૂરી, રિટેલ રોકાણકારોનો વિરોધ
નવી દિલ્હી: આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝને ડિલિસ્ટિંગ માટે શેરધારકોની મંજૂરી મળી ગઇ છે. જોકે, રિટેલ રોકાણકારોનો વિરોધ રહ્યો હોવાના અહેવાલ પણ છે. કુલ ૮૩.૮ ટકા ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે મર્જરની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે ૬૭.૮ ટકા નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે તેની વિરૂદ્ધમાં મતદાન કર્યું
બ્રોકિંગ ફર્મ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે ગુરુવારે કહ્યું હતું કે તેના ૭૨ ટકા શેરધારકોએ ડિલિસ્ટિંગની તરફેણમાં મતદાન કર્યું છે અને તેને પગલે પેરેન્ટ ફર્મ આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે મર્જર શક્ય બનશે. જોકે બહુમતી રિટેલ રોકાણકારોએ મર્જરનો વિરોધ કર્યો છે.
આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે રેગ્યૂલેટરી ફાઈલિંગમાં કહ્યું છે કે ૮૩.૮ ટકા ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે મર્જરની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે ૬૭.૮ ટકા નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. સમગ્ર રીતે ૭૨ ટકા પબ્લિક શેરધારકોએ ડિલિસ્ટિંગની તરફેણમાં મતદાન કર્યું હતું.
આ બ્રોકિંગ ફર્મના શેરધારકોએ ૨૭ માર્ચે ડિલિસ્ટિંગની દરખાસ્ત પર મતદાન કર્યું હતું.
ડિલિસ્ટિંગ કરીને તેને આઈસીઆઈસીઆઈ બેન્કની સંપૂર્ણ સબસિડરી બનાવવાની દરખાસ્ત હતી.
આ જાહેરાતને પગલે આઈસીઆઈસીઆઈ ૪.૨ ટકા ઘટીને ઈન્ટ્રા ડે ૭૧૦ થયો હતો. ત્યારબાદ તેમાં રિકવરી આવી હતી અને છેલ્લે ૧.૬૩ ટકા ઘટીને ૭૨૯ થયો હતો. મર્જર યોજના અંતર્ગત આઈ-સીઆઈસીઆઈ સિક્યુરિટીઝના શેરધારકોને પ્રત્યેક ૧૦૦ શેર સામે આઈસીઆઈસીઆઈ બેન્કના ૬૭ શેર મળશે. ગત વર્ષે બંને એન્ટિટીના બોર્ડે ડિલિસ્ટિંગ અને મર્જર યોજનાને મંજૂરી આપી દીધી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના કેટલાક રોકાણકારો વેલ્યૂએશન અંગે સ્કીમની વિરુદ્ધ હોવાના અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. આથી બુધવારે શેરબજારોએ તેની પાસેથી સ્પષ્ટતા માગી હતી.
આઈસીઆઈસીઆઈ બેન્કના કર્મચારીઓ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝના રિટેલ શેરધારકોનો સંપર્ક કરીને તેમને ડિલિસ્ટિંગની આ યોજનાની તરફેણમાં મતદાન માટે સમજાવી રહ્યા હોવાના અહેવાલ હતા. આઈસી-આઈસીઆઈ સિક્યુરિટીઝે કહ્યું હતું કે ડિલિસ્ટિંગની દરખાસ્ત વિરુદ્ધ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કેમ્પેઈન કરવામાં આવ્યું હતું.