વેપારશેર બજાર

હળવી નાણાનીતિના આશાવાદે સેન્સેક્સ વધુ ૩૮૪ પૉઈન્ટ ઊછળીને નવી ટોચે, ૮૫,૦૦૦ની સપાટીથી સહેજ છેટે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા હળવી નાણાનીતિ અખત્યાર કરતાં રિઝર્વ બૅન્ક દ્વારા પણ રેટ કટ કરવામાં આવે તેવા આશાવાદ તેમ જ એશિયન બજારોમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં તેજી આગળ ધપતાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ૩૮૪.૩૦ પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ૧૪૮.૧૦ પૉઈન્ટની તેજી સાથે નવી ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.
તેમ જ સેન્સેક્સ ૮૫,૦૦૦ની સપાટીથી માત્ર ૭૧.૩૯ પૉઈન્ટ છેટે અને નિફ્ટી ૨૬,૦૦૦ની સપાટીથી માત્ર ૬૦.૯૫ પૉઈન્ટ છેટે રહ્યો હતો. જોકે, આજે સેન્સેક્સે ઈન્ટ્રા ડે ધોરણે ૮૪,૯૨૮.૬૧ની અને નિફ્ટીએ ૨૫,૯૫૬ની ઊંચી સપાટી નોંધાવી હતી. વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૪૦૪.૪૨ કરોડની અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૨૨.૬૪ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ હતા.

આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૮૪,૫૪૪.૩૧ના બંધ સામે ૮૪,૬૫૧.૧૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪,૬૦૭.૩૮ અને ઉપરમાં ૮૪,૯૮૦.૫૩ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ૦.૪૫ ટકા અથવા તો ૩૮૪.૩૦ પૉઈન્ટ વધીને ૮૪,૯૨૮.૬૧ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના ૨૫,૭૯૦.૯૫ના બંધ સામે ૨૫,૮૭૨.૫૫ના મથાળે ખૂલીને સત્ર દરમિયાન ૨૫,૮૪૭.૩૫ અને ૨૫,૯૫૬ની રેન્જમાં અથડાઈને અંતે આગલા બંધ સામે ૦.૫૭ ટકા અથવા તો ૧૪૮.૧૦ પૉઈન્ટ વધીને ૨૫,૯૩૯.૦૫ના મથાળે બંધ રહ્યો હતો.

ગત ઑગસ્ટ મહિનાનો સર્વિસીસ પીએમઆઈ આંક જુલાઈના ૬૦.૯ પૉઈન્ટ સામે ઘટીને ૫૮.૯ની સપાટીએ રહ્યો હોવાના નિરુત્સાહી અહેવાલ છતાં તાજેતરનાં ફેડરલના બમ્પર રેટ કટનું પ્રોત્સાહક વલણ જળવાઈ રહેતાં એશિયન બજાર પાછળ સુધારાતરફી વલણ જળવાઈ રહેવાની સાથે વ્યાજદરમાં ઘટાડાની સાથે ઈનપૂટ ખર્ચમાં થનારા અપેક્ષિત ઘટાડા અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા પણ રેટ કટ કરે તેવો આશાવાદ તથા રેટ કટને કારણે ભારત જેવી ઊભરતી બજારોમાં વિદેશી રોકાણકારોનો આંતરપ્રવાહ વધે તેવી શક્યતાએ બજારમાં તેજીનો કરંટ જળવાઈ રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે એચડીએફસી બૅન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને હિન્દુસ્તાન યુનીલિવર જેવાં હેવી વેઈટ શૅરોમાં તેજીનું વલણ રહેતાં સેન્સેક્સ-નિફ્ટીની તેજીને ટેકો મળ્યો હતો. એકંદરે આજે બીએસઈ ખાતે કુલ ૪૨૩૩ શૅરોમાં કામકાજ થયા હતા, જેમાં ૨૩૮૨ શૅરના ભાવ વધીને, ૧૭૩૧ શૅરના ભાવ ઘટીને અને ૧૨૦ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ ૧૦ શૅરના ભાવમાં અપર સર્કિટ અને એક શૅરના ભાવમાં નીચલી સર્કિટ લાગી હતી. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને અને ૧૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૪ શૅરના ભાવ વધીને અને ૧૬ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.

આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૩.૨૯ ટકાનો ઉછાળો મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૨.૫૫ ટકાનો, ભારતી એરટેલમાં ૨.૨૫ ટકાનો, કોટક મહિન્દ્રા બૅન્કમાં ૧.૭૧ ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં ૧.૬૨ ટકાનો અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૪૩ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે તેની સામે આઈસીઆઈસીઆઈ બૅન્કમાં સૌથી વધુ ૧.૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તે સિવાય મુખ્ય ઘટનાર શૅરોમાં ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૧.૦૫ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૦.૯૭ ટકાનો, ટેક મહિન્દ્રામાં ૦.૮૯ ટકાનો, એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૦.૪૯ ટકાનો અને ઈન્ફોસિસમાં ૦.૪૯ ટકાનો ઘટાડો આવ્યો હતો.

વધુમાં આજે બીએસઈ મિડ કૅપ અને સ્મોલ કૅપ ઈન્ડેક્સ બન્નેમાં ૦.૭૩ ટકાનો સુધારો આગળ ધપ્યો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવતા હવે બજાર વર્તુળોની નજર અન્ય કેન્દ્રવર્તી બૅન્કોની નાણાનીતિ પર મંડાતા હવે તેની અસર ભારત સહિતના અન્ય બજારો પર પડી રહી હોવાનું માર્કેટ્સ મોજો ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર અમીત ગોલિઆએ જણાવ્યું હતું, જ્યારે રેલિગેર બ્રોકિંગ લિ.ના રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ આગામી ટૂંકા સમયગાળા દરિમયાન સ્થાનિક પરિબળોના અભાવ વચ્ચે વિશ્ર્વ બજાર પાછળ સુધારો આગળ ધપે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં એકમાત્ર આઈટી ઈન્ડેક્સમાં ૦.૪૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. તે સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં ૨.૨૩ ટકાનો, રિયલ્ટી ઈન્ડેક્સમાં ૨.૦૭ ટકાનો, ટેલિકોમ ઈન્ડેક્સમાં ૧.૯૩ ટકાનો, એનર્જી ઈન્ડેક્સમાં ૧.૮૦ ટકાનો, પીએસયુ ઈન્ડેક્સમાં ૧.૭૭ ટકાનો અને ઑટો ઈન્ડેક્સમાં ૧.૪૬ ટકાનો ઉછાળો આવ્યો હતો.

દરમિયાન આજે એશિયન બજારોમાં સિઉલ અને શાંઘાઈની બજારમાં સુધારો જોવા મળ્યો હતો અને હૉંગકૉંગની બજારમાં નરમાઈનું વલણ હતું. જોકે, આજે જાપાનની બજાર બંધ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button