નબળા પરિણામો અને વિદેશી રોકાણકારોના બાહ્ય પ્રવાહ વચ્ચે સેન્સેક્સમાં બેતરફી વધઘટે અથડાઈને અંતે સાધારણ સુધારો
નબળા પરિણામો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વધુ ₹ ૨૩૦૬.૮૮ કરોડની વેચવાલીએ સુધારો રૂંધાયો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી, નિરાશાજનક કોર્પોરેટ પરિણામો અને આંતરરષ્ટ્રીય સ્તરે ચીને જાહેર કરેલું ૧.૪ ટ્રિલિયન ડૉલરનું પેકેજ રોકાણકારોને નિરાશાજનક જણાતા એશિયન બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક બજાર પણ બેતરફી વધઘટે અથડાઈ ગઈ હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સે એક તબક્કે ૬૧૫.૮૨ પૉઈન્ટનો સુધારો દાખવીને અંતે સાધારણ ૯.૮૩ પૉઈન્ટના સાધારણ સુધારા સાથે અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન ૧૮૮.૬૦ પૉઈન્ટ વધ્યા બાદ અંતે સાધારણ ૬.૯૦ પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.તેમ જ સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૨ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા અને ૧૮ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૧૯ શૅરના ભાવ વધીને, ૩૦ શૅરના ભાવ ઘટીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના ૭૯,૪૮૬.૩૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૯,૨૯૮.૪૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯,૦૦૧.૩૪ પૉઈન્ટ સુધી ગબડ્યા બાદ અંતે સાધારણ ૯.૮૩ પૉઈન્ટના અથવા તો ૦.૦૧ ટકાના સુધારા સાથે ૭૯,૪૯૬.૧૫ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી આગલા ૨૪,૧૪૮.૨૦ના બંધ સામે ૨૪,૦૮૭.૨૫ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૪,૦૦૪.૬૦થી ૨૪,૩૩૬.૮૦ની રેન્જમાં અથડાઈને અંતે સાધારણ ૬.૯૦ પૉઈન્ટ અથવા તો ૦.૦૩ ટકાના ઘટાડા સાથે ૨૪,૧૪૧.૩૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૯૪૩૦.૮૫ કરોડની ખરીદી સામે રૂ. ૧૧,૭૩૭.૭૩ કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. ૨૩૦૬.૮૮ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૯૮૪૮.૮૭ કરોડની લેવાલી સામે રૂ. ૭૮૨૨.૨૪ કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. ૨૦૨૬.૬૩ કરોડની ચોખ્ખી ખરીદી જોવા મળી હતી.
એકંદરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી બજારને પાછળ ધકેલી રહી છે અને બીજી તરફ તાજેતરમાં જાહેર થઈ રહેલાં નિરાશાજનક કોર્પોરેટ પરિણામો અને ટ્રમ્પની ભવિષ્યની વેપાર નીતિને ધ્યાનમાં લેતા રોકાણકારોમાં ડાઉનગ્રેડનું જોખમ વધી રહ્યું હોવાથી ગબડતી બજારને ઢાળ મળી રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલના તબક્કે માત્ર ડૉલર ઈન્ડેક્સમાં તેજીનું વલણ રહેતાં આઈટી શૅરો ગગડી રહેલી બજારને અમુક અંશે ટેકો આપી રહ્યા છે. જોકે, રોકાણકારોની નજર ભારતના જાહેર થનારા ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. આજે બીએસઈ અને એનએસઈ બૅન્ચમાર્ક એફઆઈઈની વેચવાલી વચ્ચે સત્ર દરમિયાન તેજી-મંદી વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા અને અંતે સાંકડી વધઘટ સાથે બંધ રહ્યા હતા. જોકે, અમુક આઈટી શૅરોએ ગઢ જાળવી રાખ્યો હતો, અન્યથા બજાર મોટા ઘટાડા સાથે બંધ રહી હોત, એમ મેહતા ઈક્વિટીઝ લિ.ના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપસેએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સેન્સેક્સ હેઠળના શૅરોમાં મુખ્યત્વે એશિયન પેઈન્ટ્સના ગત શનિવારે જાહેર થયેલાં પરિણામોમાં બીજા ત્રિમાસિકગાળાના અંતે કંપનીનો નફો ૪૩.૭૧ ટકા ઘટીને રૂ. ૬૯૩.૬૬ કરોડની સપાટીએ રહ્યો હોવાના અહેવાલ સાથે આજે શૅરના ભાવમાં સૌથી વધુ ૮.૧૮ ટકાનો કડાકો બોલાઈ ગયો હતો. આ સિવાય અન્ય ઘટનાર શૅરોમાં જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૧.૮૨ ટકાનો, ટાટા સ્ટીલમાં ૧.૭૬ ટકાનો, બજાજ ફાઈનાન્સમાં ૧.૭૩ ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૧.૬૫ ટકાનો અને બજાજ ફિનસર્વમાં ૧.૩૪ ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૪.૨૨ ટકાનો સુધારો પાવરગ્રીડ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એચસીએલ ટેક્નોલૉજીસમાં ૧.૬૦ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૫૮ ટકાનો, ટેક મહિન્દ્રામાં ૧.૨૪ ટકાનો, ટીસીએસમાં ૧.૨૧ ટકાનો અને મારુતિ સુઝુકી લિ.માં ૦.૮૬ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. વધુમાં આજે બીએસઈ ખાતેના સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૧૪ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૯ ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ ૧.૩૩ ટકાનો ઘટાડો હેલ્થકૅર ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય ચીનનું ૧.૪ ટ્રિલિયન ડૉલરનું સ્ટિમ્યુલસ પેકેજ મુખ્યત્વે રાજ્યસ્તરીય હોવાથી રોકાણકારોમાં નિરાશા વ્યાપી જતા મેટલ ઈન્ડેક્સમાં ૦.૯૭ ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એફએમસી ઈન્ડેક્સમાં ૦.૯૦ ટકાનો, એનર્જી અને ઑઈલ તથા ગૅસ ઈન્ડેક્સમાં ૦.૭૯ ટકાનો અને ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં ૦.૭૦ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, તેની સામે આઈટી ઈન્ડેક્સમાં ૧.૦૧ ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૭૮ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૫૫ ટકાનો સુધારો આવ્યો હતો. આજે એશિયન બજારોમાં સિઉલ અને હૉંગકૉંગની બજાર નરમાઈ સાથે અને ટોકિયો તથા શાંઘાઈની બજાર સુધારા સાથે બંધ રહી હતી, જ્યારે યુરોપની બજારોમાં મધ્યસત્ર દરમિયાન મક્કમ વલણ જોવા મળ્યું હતું.
એનએમડીસીનો ચોખ્ખો નફો ૧૭ ટકા વધ્યો, ૨:૧ બોનસ મંજૂર
નવી દિલ્હી: જાહેર ક્ષેત્રની ખનન કરતી કંપની એનએમડીસીએ વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકગાળાના જાહેર કરેલા પરિણામોમાં કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખો નફો ગત સાલના સમાનગાળાના રૂ. ૧૦૨૪.૮૬ કરોડ સામે ૧૬.૬૬ ટકાની વૃદ્ધિ સાથે રૂ. ૧૧૯૫.૬૩ કરોડ રહ્યો હોવાનું બીએસઈને એક યાદીમાં જણાવ્યું છે.
વધુમાં સમીક્ષા હેઠળના સમયગાળામાં કંપનીની આવક ગત સાલના સમાનગાળાના રૂ. ૪૩૩૫.૦૨ કરોડ સામે બાવીસ ટકા વધીને રૂ. ૪૩૩૫.૦૨ કરોડની સપાટીએ રહી હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે કંપનીના બોર્ડે પ્રત્યેક એક શૅર સામે બે શૅરના બોનસને મંજૂરી આપવાની સાથે કંપનીની ઑથરાઈઝ્ડ શેર કેપિટલ રૂ. ૪૦૦ કરોડથી વધારીને રૂ. ૧૦૦૦ કરોડ કરવા માટે પણમંજૂરી આપી હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.