સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત ત્રીજા સત્રમાં પીછેહઠ સાથે એક મહિનાના તળિયે…

પાછોતરા સત્રમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ, આઈટી અને બૅન્ક શૅરોમાં વ્યાપક વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે ખાસ કરીને પાછોતરા સત્રમાં ક્નઝ્યુમર ડ્યુરેબલ, આઈટી અને બૅન્ક શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં સત્ર દરમિયાન બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના 50 શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 354.06 પૉઈન્ટનો અને 189.65 પૉઈન્ટનો જોવા મળેલો સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે સેન્સેક્સ 275.01 પૉઈન્ટ અને નિફ્ટી 81.65 પૉઈન્ટ ઘટીને અંદાજે એક મહિનાના તળિયે બંધ રહ્યો હતો.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના 84,666.28ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 84,607.49ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 84,313.62 અને ઉપરમાં 85,020.34ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 0.32 ટકા અથવા તો 275.01 પૉઈન્ટના ઘટાડા સાથે 84,391.27ના મથાળે બંધ રહ્યો હતો. અત્રે નોંધનીય બાબત એ છે કે ગત 11મી નવેમ્બરના રોજ સેન્સેક્સે સત્ર દરમિયાન 84,313.62ની સપાટી દર્શાવી હતી.
તેમ જ એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના 25,839.65ના બંધ સામે 25,864.05ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 25,734.55 અને ઉપરમાં 25,947.65 સુધી પહોંચ્યા બાદ અંતે 0.32 ટકા અથવા તો 81.65 પૉઈન્ટના ઘટાડા સાથે 25,758ના મથાળે બંધ રહ્યો હતો.
એકંદરે વૈશ્વિક બજારોમાં જોવા મળી રહેલા સાવચેતીના અભિગમનું પ્રતિબિંધ ભારતીય બજાર પર પણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્યપ્રવાહ, અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલની વાટાઘાટો થઈ રહી હોવા છતાં પરિણામ અંગેની અનિશ્ચિતતા અને ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ધોવાણને કારણે બજાર વધુ દબાણ હેઠળ આવી રહી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતા ઉમેર્યું હતું કે જાપાનીઝ બૉન્ડની યિલ્ડમાં થઈ રહેલા વધારા અને બૅન્ક ઑફ જાપાન નાણાનીતિ વધુ તંગ કરે તો ઊભરતી બજારો સામેના સંભવિત જોખમોને ધ્યાનમાં લેતા બજારમાં ચંચળતાનું વલણ વધ્યું છે.
આ સિવાય આજે રોકાણકારોની નજર મોડી સાંજે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર છે. જોકે, બેઠકના અંતે વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી શક્યતા પ્રબળ છે, પરંતુ અમેરિકાના આર્થિક ડેટાઓ મિશ્ર આવી રહ્યા હોવાથી વર્ષ 2026માં વ્યાજદરમાં વધુ કાપ મૂકવામાં આવે તેવી શક્યતા પાતળી જણાઈ રહી હોવાથી સાવચેતીનું વલણ પણ જોવા મળી રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે આજે વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં ભારે ચંચળતાનું વલણ રહ્યા બાદ અંતે ઘટાડા સાથે બજાર બંધ રહી હોવાનું રેલિગેર બ્રોકિંગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું, જ્યારે ચોઈસ ઈક્વિટી બ્રોકિંગનાં રિસર્ચ એનાલિસ્ટ આકાશ શાહે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનું વાતાવરણ, નફારૂપી વેચવાલી અને સ્થાનિક સ્તરે તેજીતરફી પરિબળોના અભાવને કારણે સતત ત્રીજા સત્રમાં પીછેહઠ જોવા મળી છે.
દરમિયાન આજે બીએસઈ ખાતે કુલ 4337 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાં 1857 શૅરના ભાવ વધીને, 2332 શૅરના ભાવ ઘટીને અને 148 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા આજે થયેલા કામકાજમાં કુલ 74 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 136 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને પાંચ શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી 12 શૅરના ભાવ વધીને અને 18 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 2.86 ટકાનો ઘટાડો ઈટર્નલમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે ટ્રેન્ટમાં 1.66 ટકાનો, ભારતી એરટેલમાં એક ટકાનો, ઈન્ફોસિસમાં 0.92 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 0.80 ટકાનો અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં 0.78 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે મુખ્ય વધનાર શૅરોમાં ટાટા સ્ટીલમાં સૌથી વધુ એક ટકાનો સુધારો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે સન ફાર્મામાં 0.57 ટકાનો, આઈટીસીમાં 0.56 ટકાનો, એનટીપીસીમાં 0.53 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 0.47 ટકાનો અને રિલાયન્સમાં 0.43 ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 1.08 ટકાનો અને 0.58 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ બીએસઈના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં સર્વિસીસ અને ક્નઝ્યુમર ડ્યુરેબલ ઈન્ડેક્સમાં 1.18 ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 0.99 ટકાનો, ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 0.94 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 0.90 ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં 0.87 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં 0.76 ટકાનો, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સમાં 0.72 ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં 0.69 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે તેની સામે કૉમોડિટી, ઈન્ડેક્સ, એનર્જી ઈન્ડેક્સ, યુટિલિટી ઈન્ડેક્સ, મેટલ, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા, જ્યારે એફએમસીજી ઈન્ડેક્સમાં સુધારો જોવા મળ્યો હતો.
આજે એશિયન બજારમાં શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ, જાપાનનો નિક્કી 225 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઘટાડા સાથે બંધ રહ્યો હતો, જ્યારે હૉંગકૉંગનો હૅંગસૅંગ સુધારા સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત યુરોપના બજારોમાં પણ મધ્ય સત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.03 ટકાના સાધારણ ઘટાડા સાથે બેરલદીઠ 61.92 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.



