પાછોતરા સત્રમાં રોકાણકારોની વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ 331 પૉઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 26,000ની સપાટી ગુમાવી…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે સત્રના અંતિમ સમયગાળામાં સાવચેતીના માનસ વચ્ચે રોકાણકારોની વેચવાલીનું દબાણ વધવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીના દબાણને કારણે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બેન્ચમાર્ક સેન્સેક્સ 331. 21 પૉઈન્ટ તૂટીને 85,000ની અંદર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી 108.65 પૉઈન્ટના ઘટાડા સાથે 26,000ની સપાટીની અંદર ઊતરી ગયો હતો. જોકે, સત્ર દરમિયાન સેન્સેક્સમાં 241.55 પૉઈન્ટનો અને નિફ્ટીમાં 74.65 પૉઈન્ટનો સુધારો જોવા મળ્યો હતો.
એક્સચેન્જની અધિકૃત આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૪,૫૦૪.૯૫ કરોડની ખરીદી સામે રૂ. ૫૮,૬૭૬.૭૦ કરોડની વેચવાલી રહેતા કુલ રૂ. ૪૧૭૧.૮૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૦,૪૪૫.૪૮ કરોડની ખરીદી સામે રૂ. ૧૫,૯૩૨.૬૧ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૪૫૧૨.૮૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
એકંદરે આજે સત્ર દરમિયાન બજાર સાંકડી વધઘટે અથડાઈ રહ્યું હતું, પરંતુ છેલ્લાં અડધા કલાક દરમિયાન જ રોકાણકારોની વેચવાલીનું દબાણ વધતાં નોંધપાત્ર ઘટાડા સાથે બજાર બંધ રહ્યા હતા. બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 85,231.92ના બંધ સામે સુધારાના અન્ડરટોને 85,320.04ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 84,710.11 અને ઉપરમાં 85,473.47ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.39 ટકા અથવા તો 331.21 પૉઈન્ટ ઘટીને 84,900.71ની સપાટીએ બંધ રહ્યો હતો.
તે જ પ્રમાણે એનએસઈ બૅન્મચાર્ક નિફ્ટી આગલા 26,068.15ના બંધ સામે સુધારાના અન્ડરટોને 26,122.80ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 25,912.15 અને ઉપરમાં 26,142.80ની રેન્જમાં રહ્યા બાદ અંતે આગલા બંધ સામે 0.42 ટકા અથવા તો 108.65 પૉઈન્ટ ઘટીને 25,959.50ની સપાટીએ બંધ રહ્યો હતો.
ભારત અને અમેરિકા વચ્ચેની વચગાળાની ટ્રેડ ડીલ વિલંબિત થઈ રહી હોવાથી સત્ર દરમિયાન ધીમા સુધારા સાથે બજાર રેન્જબાઉન્ડ રહ્યા બાદ છેલ્લા અડધા કલાકમાં રોકાણકારોના માસિક ધોરણે થતી એક્સ્પાયરીને ધ્યાનમાં લેતા સાવચેતીના અભિગમમાં વેચવાલીનું દબાણ વધતાં નિફ્ટીએ 26,000ની સપાટી ગુમાવી હતી. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ સપાટી પર આવતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા આઈટી ક્ષેત્રનાં ચુનંદા શૅરોમાં રોકાણકારોની લેવાલી નીકળતાં બજારને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
આજનાં સત્રમાં મોટા સમયગાળા સુધી બજાર રેન્જબાઉન્ડ રહ્યા બાદ છેલ્લા એક કલાકના સમયગાળામાં ખાસ કરીને ફેડરલની નાણાનીતિ અને ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની અનિશ્ચિતતા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી અને વૈશ્વિક બજારનાં મિશ્ર વલણને ધ્યાનમાં લેતા મંથલી એક્સ્પાયરીને પગલે વેચવાલીનું દબાણ વધતાં બજારમાં 0.50 ટકા જેટલો ઘટાડો નોંધાયો હોવાનું બજાજ બ્રોકિંગ રિસર્ચે જણાવ્યું હતું.
બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી આજે આઠ શૅર સુધારા સાથે અને બાવીસ શૅરના ભાવ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. આજે મુખ્ય ઘટનાર શૅરોમાં ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ.માં 2.98 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.61 ટકાનો, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં 1.59 ટકાનો, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1.18 ટકાનો, ટ્રેન્ટમાં 1.16 ટકાનો અને બજાજ ફિનસર્વમાં 1.14 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેની સામે ટેક મહિન્દ્રામાં 2.43 ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં 0.46 ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં 0.35 ટકાનો, ઈન્ફોસિસમાં 0.31 ટકાનો, અદાણી પોર્ટસમાં 0.18 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 0.09 ટકાનો, સનફાર્મામાં 0.08 ટકાનો અને કોટક બૅન્કમાં 0.02 ટકાનો સુધારો આવ્યો હતો.
એક્સચેન્જની માહિતી અનુસાર આજે બીએસઈ ખાતે કુલ 4449 શૅરમાં કામકાજ થયાં હતાં. જેમાં 1208 શૅરના ભાવ વધીને, 3035 શૅરના ભાવ ઘટીને અને 206 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 93 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 359 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. તેમ જ 13 શૅરમાં ઉપલી અને 10 શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી. વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.83 ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં 0.27 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.10 ટકાનો ઘટાડો રિઅલ્ટી ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં 1.34 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 1.24 ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં 1.21 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 1.19 ટકાનો અને કૉમૉડિટી ઈન્ડેક્સમાં 1.16 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે તેની સામે માત્ર આઈટી અને બીએસઈ ફોકસ્ડ ઈન્ડેક્સમાં જ સુધારો જોવા મળ્યો હતો.
દરમિયાન આજે એશિયન બજારોમાં શાંઘાઈનો એસએસઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅન્ગસેન્ગ ઈન્ડેક્સ સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે દક્ષિણ કોરિયાનો કોસ્પી ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે, આજે જાપાન અને યુરોપના બજાર બંધ રહ્યા હતા. વધુમાં આજે વિશ્વ બજારમાં બે્રન્ટક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે 0.98 ટકા ઘટીને બેરલદીઠ 61.95 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો 50 પૈસાના બાઉન્સબૅક સાથે 89.16ની સપાટીએ બંધ રહ્યો હોવાના અહેવાલ હતા.



