વેપારશેર બજાર

રિલાયન્સના નબળા પરિણામ અને ઇન્ફલેશનના ઉછાળાએ સેન્સેક્સને નેગેટિવ ઝોનમાં ધકેલ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: રિલાયન્સના નબળા પરિણામ સાથે ઇન્ફ્લેશનના નકારાત્મક ડેટાને કારણે નિરસ માહોલ વચ્ચે શેરબજાર મંગળવારના સત્રમાં પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં નિષ્ફળ રહ્યું હતું. સપ્ટેમ્બરમાં રિટેલ ઇન્ફ્લેશન નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ચોખ્ખા નફામાં પાંચ ટકાનો ઘટાડો જાહેર કર્યો છે.

પ્રારંભિક સુધારો ગુમાવીને સત્રને અંતે સેન્સેક્સ ૧૫૨.૯૩ પોઈન્ટ અથવા ૦.૧૯ ટકા ઘટીને ૮૧,૮૨૦.૧૨ પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૩૩૭.૪૮ પોઈન્ટ અથવા ૦.૪૧ ટકા ઘટીને ૮૧,૬૩૫.૫૭ પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે નિફ્ટી ૭૦.૬૦ પોઈન્ટ અથવા ૦.૨૮ ટકા ઘટીને ૨૫,૦૫૭.૩૫ પોઇન્ટ પર સેટલ થયો હતો.

બજાજ ફાઇનાન્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક અને મારુતિ ટોપ લુઝર રહ્યાં હતાં. જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્ક, ભારતી એરટેલ, એશિયન પેઈન્ટ્સ, અદાણી પોર્ટ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એચસીએલ ટેક્નોલોજીસના શેરમાં વધારો થયો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે સોમવારે સપ્ટેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં ૫ાંચ ટકાનો ઘટાડો નોંધાવ્યો હોવાથી તેનો શેર ગબડ્યો હતો. એચસીએલ ટેક્નોલોજીસે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૦.૫૧ ટકાનો વધારો નોંધાવ્યો હોવાથી તેના શેરમાં સુધારો હતો. ફાર્મા ક્ષેત્રની હિમાલયા વેલનેસ કંપની, સ્માર્ટ અને સેફ સેલિબ્રેશન માટે આદિત્ય રોય કપૂરને લઇને નવી મુંબઇ અને થાણામાં પાર્ટીસ્માર્ટ કેમ્પેઇન શરૂ કરી રહી છે. સ્પાઇસ જેટે એરકાસલ, વિંગટન ટ્રસ્ટ સાથેનો ૨૩.૩૯ મિલિયન ડોલરનો વિવાદ ઉકેલી નાંખ્યો છે.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલમાં તીવ્ર ઘટાડો ભારત માટે મેક્રો પોઝિટિવ છે, પરંતુ સપ્ટેમ્બરમાં સીપીઆઈ ફુગાવો ૫.૪૯ ટકાની અપેક્ષા કરતાં વધુ ખરાબ આવે તે ચિંતાનો વિષય છે, એમ જણાવતાં જિયોજિત ફાઇનાન્સિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, વી કે વિજયકુમારે કહ્યું હતું કે, એમપીસીને આને ગંભીરતાથી લેવાની અને વ્યાજદરમાં કાપને ૨૦૨૫ સુધી મુલતવી રાખવાની ફરજ પડશે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવાનો દર ૫.૪૯ ટકાની નવ મહિનાની ટોચે પહોંચી ગયો હતો.

વિશ્ર્વબજારમાં એશિયન બજારોમાં, સિઓલ અને ટોક્યો સકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા જ્યારે શાંઘાઈ અને હોંગકોંગ નીચા સ્તરે બંધ થયા હતા. યુરોપિયન બજારોમાં મિશ્ર કામકાજ જોવા મળ્યું હતું. સોમવારે યુએસ બજારો ઊંચામથાળે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૪.૭૧ ટકા ઘટીને ૭૩.૮૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૩,૭૩૧.૫૯ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી, એમ એક્સચેન્જ ડેટા અનુસાર. જોકે, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ)એ રૂ. ૨,૨૭૮.૦૯ કરોડની ઇક્વિટી ખરીદી હતી. બેન્ચમાર્ક સેન્સેક્સ સોમવારે ૫૯૧.૬૯ પોઈન્ટ અથવા ૦.૭૩ ટકા ઉછળીને ૮૧,૯૭૩.૦૫ પર સેટલ થયો હતો. નિફ્ટી ૧૬૩.૭૦ પોઈન્ટ અથવા ૦.૬૬ ટકા વધીને ૨૫,૧૨૭.૯૫ પર પહોંચ્યો હતો.

દરમિયાન, ઇતિહાના સોથી મોટા એવા હ્યુન્ડાઇનું ભરણું સાંજે ચાર સુધીમાં ૧૭ ટકા ટકા ભરાયું હતું અને બે કલાકમાં પાંચ લાખથી વધુ અરજી મળી હતી. જોકે ભરણું ખૂલતા પહેલા તેના ગ્રે માર્કેટ પ્રીમિયમમાં ૮૯ ટકા સુધીનો કડાકો નોંધાયો હતો. એક તબક્કે તેનું જીએમપી બે ટકાના ડિસ્કાઇન્ટ સુધી નીચે જઇ પાછું ફર્યું છે, આ શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થશે એવી બજારમાં ચર્ચા હતી. એચસીએલ ટેકનોલોજી દ્વારા ત્રિમાસિક પરિણામમાં આવક વૃદ્ધિની આગાહીને પગલે આઇટી કંપનીના શેરમાં નીકળેલી લેવાલીને કારણે મંગળવારે સત્રની શરૂઆત પોઝિટિવ ટોન સાથે થઈ હતી અને સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ક્રૂડ ઓઇલના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડાને કારણે ઓઇલ રિફાઇનિંગ અને પેઇન્ટ કંપનીના સ્ટોકને ટેકો મળ્યો હતો. જોકે સામે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જેવી ઇન્ડેક્સ હેવીવેઇટ કંપનીનો શેર ગબડ્યો હોવાને કારણે બજારના સેન્ટિમેન્ટને નકારાત્મક અસર થઈ હતી.

નોંધવું રહ્યું કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરના ચોખ્ખા નફામાં ૫ાંચ ટકાનો ઘટાડો નોંધાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો જુલાઇ-સપ્ટેમ્બરમાં ઘટીને રૂ. ૧૬,૫૬૩ કરોડ અથવા રૂ. ૨૪.૪૮ પ્રતિ શેર થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં અનુક્રમે રૂ. ૧૭,૩૯૪ કરોડ અથવા શેરદીઠ રૂ. ૨૫.૭૧ના સ્તરે હતો.
બજારના સાધનો જણાવે છે કે, નિફ્ટીએ ૨૫,૦૦૦ પોઇન્ટના સ્તરની ઉપર ટકી રહેવા સાથે બજારને ધીમે ધીમે તેજી તરફ આગળ વધવામાં મદદ કરી છે. શેરબજારના નિષ્ણાતો માને છે કે કોર્પોરેટ પરિણામો અને અન્ય પરિબળોને કારણે શેરલક્ષી કામકાજ જોવા મળે છે. એકંદરે બજારમાં સુધારો અને આગેકૂચ ચાલુ રહેવાની
ધારણા છે.

હ્યુન્ડાઇનું વેલ્યુએશન તેની પેરેન્ટ કંપની અને અન્ય ઓટો કંપનીઓ કરતા ઊંચું હોવા સાથે અમુક અમુક કાનૂની બાબતો તથા ક્ષમતા વપરાશ સહિતના કારણોસર તેનું જીએમપી ઈશ્યૂના દિવસે બે ટકાથી નીચે ઉતરી ગયું હતું અને બે ટકા ડિસ્કાઉન્ટ બોલાયું હતું. જોકે, આ લખાઇ રહ્યું છે ત્યારે તેના જીએમપીમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈ) દ્વારા ઓકટોબર ૨૦૨૪ મહિનાના પ્રથમ ૧૨ દિવસમાં જ રૂ. ૫૮,૭૧૧ કરોડના શેરોની જંગી વેચવાલી કરવામાં આવી છે. બજારની મુવમેન્ટને કોર્પોરેટ પરિણામ અસર કરશે અને આ પરિણામ નબળા આવવાની ચર્ચા છે. હ્યુન્ડાઈના આઇપીઓ પર પણ બજારની નજર રહેશે. આ ઉપરાંત યુએસ રીટેલ સેલ્સ ડેટા, ઇસીબીનો વ્યાજ દરનો નિર્ણય, ચાઇના જીડીપી ડેટાની પણ બજાર પર અસર જોવા મળશે.

આ અઠવાડિયે મુખ્ય ફોકસ સપ્ટેમ્બર ૨૦૨૪ ક્વાર્ટરની કમાણીની મોસમ પર રહેશે. બજારની નજર રિલાયન્સ બાદ વિપ્રો તથા ઈન્ફોસિસના પરિણામો અને આખા વર્ષની આવક વૃદ્ધિ માર્ગદર્શન પર મેનેજમેન્ટ કોમેન્ટ્રી પર રહેશે. વિપ્રોમાં તો બોનસ શેરની જાહેરાતની રાહ જોવાઇ રહી છે.

ત્રિમાસિક કમાણીના સ્કોરકાર્ડ જાહેર કરનારી અન્ય નિફ્ટી કંપનીઓમાં એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, એચસીએલ ટેક્નોલોજીસ, એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સ કંપની, બજાજ ઓટો, એક્સિસ બેંક, એલટીઆઇમાઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, નેસ્લે ઈન્ડિયા, વિપ્રો અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ ઇન્ડેક્સમાં ૩૮ ટકાથી વધુ વેઇટેજ ધરાવે છે.

એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની, જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ, એલ એન્ડ ટી ફાઇનાન્સ, એન્જલ વન, સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, પીવીઆર ઈંગઘડ, આદિત્ય બિરલા મની, એલ એન્ડ ટી ટેક્નોલોજી સર્વિસ, એમફેસિસ, સીએટ, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, હેવેલ્સ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, જિંદાલ સ્ટેનલેસ, પોલીકેબ ઈન્ડિયા, ટાટા કેમિકલ્સ, ટાટા કોમ્યુનિકેશન્સ, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની, જિંદાલ સો, એલએન્ડટી ફાઈનાન્સ, ઓબેરોય રિયલ્ટી, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, એમસીએક્સ ઈન્ડિયા અને આરબીએલ બેંક પણ પરિણામ જાહેર કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button