(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આરબીઆઈએ નીતિ સમીક્ષા અંતર્ગત વ્યાજદરમાં અપેક્ષા અનુસાર જ ઘટાડો કરવાનું ટાળ્યું હોવા સાથે ન્યુટ્રલ સ્ટાન્સ પનાવવાની જાહેરાત કરી હોવા છતાં બુધવારના સત્રના અંતિમ તબક્કામાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી અને એચડીએફસી બેંકની આગેવાનીએ વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સમાં ગાબડું પડ્યું હતું અને નિફ્ટી ૨૫૦૦૦ની સપાટી પુન:હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ બુધવારે તેનો મુખ્ય વ્યાજ દર યથાવત રાખ્યો હતો પરંતુ પોતાના વલણને હોકિશમાંથી ન્યુટ્રલ જાહેર કરીને મધ્યસ્થ બેન્કે આગામી પોલિસીમાં દરમાં ઘટાડો કરવાની સંભાવના દર્શાવવા તરફ પ્રથમ પગલું ભર્યું હતું.
પ્રારંભિક સુધારાને ગુમાવીને ત્રીસ શેરો ધરાવતો બીએસઇ સેન્સેક્સ ૧૬૭.૭૧ પોઈન્ટ અથવા ૦.૨૧ ટકા ઘટીને ૮૧,૪૬૭.૧ પર બંધ થયો હતો. દિવસ દરમિયાન, તે ૬૮૪.૪ પોઈન્ટ અથવા ૦.૮૩ ટકા વધીને ૮૨,૩૧૯.૨૧ની ઈન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૩૧.૨૦ પોઈન્ટ અથવા ૦.૧૨ ટકા ઘટીને ૨૪,૯૮૧.૯૫ પર બંધ થયો હતો. ઈન્ટ્રાડે ટ્રેડમાં તે ૨૨૦.૯ પોઈન્ટ અથવા ૦.૮૮ ટકા ઉછળીને ૨૫,૨૩૪.૦૫ પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.
સેન્સેક્સની ૩૦ કંપનીઓમાં આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, લાર્સન એન્ડ ટુબ્રો અને એચડીએફસી બેંક ટોપ લુઝર રહી હતી. તેનાથી વિપરીત, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, મારુતિ સુઝુકી ઈન્ડિયા, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, બજાજ ફિનસર્વ અને ભારતી એરટેલ ટોપ ગેઇનર્સની યાદીમાં હતા. આરબીઆઇએ તેની નાણાકીય નીતિનું સ્ટાન્સ બદલીને ન્યુટ્રલ જાહેર કર્યું હોવાથી ઓટો, રિઅલ્ટી અને બેન્ક જેવા વ્યાજદર સાથે સંવેદનશીલતા ધરાવતા શેરોમાં લેવાલી વધી હતી અને તેજી જોવા મળી હતી. આ શેરોમાં ટાટા મોટર્સ, ટીવીએસ મોટર્સ, મારુતિ, એપોલો ટાયર, ફિનિક્સ મિલ, ડીએલએફ, ગોદરેજ પ્રપોર્ટીઝ, એસબીઆઇ, એક્સિસ બેન્ક, વગેરેનો સમાવેશ હતો.
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા લિમિટેડ રૂ. ૨૭,૮૭૦.૧૬ કરોડના બુક બિલ્ટ ઇશ્યુ સાથે ૧૫મી ઓક્ટોબરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ૧૪.૨૨ કરોડ શેરના વેચાણ માટેની ઓફર છે. સબસ્ક્રિપ્શન ૧૭ ઓક્ટોબરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. ૧૮૬૫થી રૂ. ૧૯૬૦ પ્રતિ શેર છે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ સાત શેરનો છે.
લોજિસ્ટિક્સ ક્ષેત્રની પ્રાણિક લોજિસ્ટિક્સ ૧૦ ઓક્ટોબરે જાહેર ભરણું લાવી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૩થી ૭૭ અને લોટ સાઇઝ ૧૬૦૦ શેર છે. ભંડોળનો ઉપયોગ કાર્યકારી મૂડી, ટેક્નોલોજી સિસ્ટમ ડેવલપમેન્ટ, કંપનીના કાફલા અને વેરહાઉસિંગ ક્ષમતા વિસ્તારવાં તેમ જ લોજિસ્ટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવાની યોજના ધરાવે છે.
ઇવેક્સિયા લાઇફકેરે હેલ્થકેર વ્યૂહાત્મક એક્વિઝિશન સાથે આગામી ૨૪ મહિનામાં ૫૦ નવા અત્યાધુનિક સેન્ટર સ્થાપી રહી છે. કંપનીએ યુનાઇટેડ આરબ અમીરાતના હેલ્થકેર ઉદ્યોગમાં રૂ. ૧૯૦ કરોડનું રોકાણ કર્યું છે અને વિટ્ટલ્સ મેડિકેરમાં ૫૧ ટકા હિસ્સો મેળવ્યા છે.
ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીને સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટીએ ગેરમાર્ગે દોરનારી જાહેરખબરો અને ગેરવાજબી વ્યાપાર પ્રવૃત્ત્ાિ બદ્દલ નોટીસ ફટકારી છે. ઇન્ડોસ્પેસે તમિલનાડુમાં લોજિસ્ટિક અને વેરહાઉસ પાર્કમાં રૂ. ૪,૫૦૦ કરોડ સુધીના રોકાણની જાહેરાત કરી છે. હીરો મોટર્સ લિમિટેડે તેના રૂ. ૯૦૦ કરોડના આઇપીઓની યોજના હાલ પડતી મૂકી છે અને તે માટેના દસ્તાવેજ પાછાં ખેંચી લીધા છે. ઘરોના ભાવમાં ઝડપી વધારા સાથે નવા સપ્લાઇમાં ઘટાડો થવાથી દેશના ટોચના આઠ હાઉસિંગ માર્કેટમાં ઘરોના વાર્ષિક વેચાણમાં પાંચ ટકાનો ઘટાડો થયો હોવાનું પ્રોપ ટાઇગરે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે, અગાઉ એનારોકના રિપોર્ટમાં પણ સાત શહેરોમાં ઘરોનું વેચાણ ૧૧ ટકા ઘટ્યું હોવાનું ટાંકવામાં આવ્યું હતું.
બજારના સાધનો અનુસાર આરબીઆઈના તટસ્થ વલણમાં ફેરફાર સાનુકૂળ અને અપેક્ષિત હતો, પરંતુ ટિપ્પણી નજીકના ગાળામાં રેટ કટ માટે નિર્દેશ કરતી ના જણાઇ હોવાથી વેચવાલી આવી હતી.
ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં યુરોપીયન બજારો મધ્ય સત્રના સોદામાં ઊંચા મથાળે ટ્રેડ થઇ રહ્યાં હતાં. એશિયન બજારોમાં, શાંઘાઈ, હોંગકોંગ અને સિઓલ નકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા હતા જ્યારે ટોક્યિાનો શેરઆંક હકારાત્મક ક્ષેત્રમાં આગળ વધ્યો હતો. મંગળવારે યુએસ બજારો સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ મંગળવારે રૂ. ૫,૭૨૯.૬૦ કરોડની ઇક્વિટીઓ ઓફલોડ કરી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એક્સચેન્જ ડેટા અનુસાર રૂ. ૭,૦૦૦.૬૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ટ્રેડમાં ૦.૮૭ ટકા વધીને ૭૭.૮૫ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે.
ચીનની ઇકોનોમિક પ્લાનિંગ એજન્સીએ અર્થતંત્રને ટેકો આપવા માટે બીજા સ્ટિમ્યુલસની જાહેરાત કરી હતી, જોકે તેનું કદ બજારની અપેક્ષાથી નીચું હોવાને કારણે શાંધાઇ એક્સચેન્જનો સુધારો ધોવાઇ ગયો હોવાના અહેવાલ હતા. નેશનલ ડેવલપમેન્ટ એન્ડ રિફોર્મ્સ કમિશને ૨૦૨૫ના સરકારી બજેટમાંથી ૧૦૦ અબજ યુઆન ( ૧૪.૧ અબજ ડોલર)ના ખર્ચની અને ક્ધસ્ટ્રકશન પ્રોજેક્ટ માટે ૧૦૦ અબજ યુઆનના ખર્ચની જાહેરાત કરી હતી. જોકે, આ આંકડા અબજો અબજ યુઆનના એક્સપેન્ડિચરના ખર્ચની અપેક્ષા કરતા ઘણો નાનો હોવાથી સટોડિયા વર્ગ નિરાશ થયો હતો.
મંગળવારે બીએસઈના ત્રીસ શેરો વાળો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ ૫૮૪.૮૧ પોઈન્ટ અથવા ૦.૭૨ ટકા વધીને ૮૧,૬૩૪.૮૧ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો, જયારે એનએસઇ નિફ્ટી ૨૧૭.૪૦ પોઈન્ટ અથવા ૦.૮૮ ટકાના ઉછાળા સાથે ૨૫,૦૧૩.૧૫ પર સમાપ્ત થયો.
બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં બુધવારે ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.૯૧.૧૧ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં કુલ ૬૯૦ સોદામાં ૧,૧૦૪ કોન્ટ્રેક્ટ્સનું કામકાજ થયું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઈક્વિટી ફ્યુચર્સ મળીને કુલ ૫,૨૭,૭૬૨ કોન્ટ્રેક્ટના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા. કુલ નોશનલ ટર્નઓવર રૂ. ૪,૯૯,૩૯૨.૪૩ કરોડનું રહ્યું હતું. એફઆઈઆઈની રૂ.૮,૨૯૩.૪૧ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્થાનિક સંસ્થાઓની રૂ. ૧૩,૨૪૫.૧૨ કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.
એકંદરે હાલને તબક્કે ડૉલર ઈન્ડેક્સની તેજીને કારણે સોનામાં તેજી ખોરવાઈ છે અને ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવી ગયો હોવાથી હવે ભાવમાં મોટા ઘટાડાની શક્યતા ન હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્ર્લેષક મેટ્ટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે આજે ફેડરલની મિનિટ્સની જાહેરાત અને આવતીકાલે અમેરિકાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત પશ્ર્ચાત્ ખરીદદારોનું બાર્ગેઈન હંટિંગ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય. ખાસ કરીને જો ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પ્રોત્સાહક આવે તો સોનાના ભાવ ઉછળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૨.૧૦ ટકા, સ્ટેટ બેન્ક ૧.૯૧ ટકા, ટેક મહિન્દ્ર ૧.૮૬ ટકા, મારુતિ ૧.૮૦ ટકા, બજાજ ફિનસર્વ ૧.૬૫ ટકા,બજાજ ફાઈનાન્સ ૧.૬૪ ટકા, એક્સિસ બેન્ક ૧.૫૦ ટકા, ભારતી એરટેલ ૧.૨૭ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૧૭ ટકા, પાવર ગ્રીડ ૦.૭૯ ટકા અને સન ફાર્મા ૦.૭૫ ટકા વધ્યા હતા, જ્યારે આઈટીસી ૩.૧૭ ટકા, નેસ્લે ૨.૫૧ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૧.૬૮ ટકા, રિલાયન્સ ૧.૬૪ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૩૪ ટકા, લાર્સન ૧.૩૨ ટકા, એચડીએફસી બેન્ક ૧.૦૭ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૭૮ ટકા, એનટીપીસી ૦.૬૧ ટકા અને મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૦.૩૯ ટકા ઘટ્યા હતા.