(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે એકંદરે બજારમાં સત્રના આરંભે નરમાઈનું વલણ જોવા મળ્યા બાદ રોકાણકારોની લેવાલીને ટેકે સત્ર દરમિયાન થોડાઘણાં અંશે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ પછીથી ખાસ કરીને ઑટો, ફાર્મા અને કેપિટલ ગૂડ્સ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી નીકળતા સતત ત્રીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી અને સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૧૩૮.૭૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં વધુ ૩૬.૬૦ પૉઈન્ટનો ઘટાડો આગળ ધપ્યો હતો.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૮૦,૨૨૦.૭૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૭૯,૯૨૧.૧૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૭૯,૮૯૧.૬૮ અને ઉપરમાં ૮૦,૬૪૬.૩૧ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૧૭ ટકા અથવા તો ૧૩૮.૭૪ પૉઈન્ટના ઘટાડા સાથે ૮૦,૦૮૧.૯૮ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૪,૪૭૨.૧૦ના બંધ સામે ૨૪,૩૭૮.૧૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૨૪,૩૭૮.૧૦ અને ઉપરમાં ૨૪,૬૦૪.૨૫ની રેન્જમાં અથડાઈને અંતે ૦.૧૫ ટકા અથવા તો ૩૬.૬૦ પૉઈન્ટ ઘટીને ૨૪,૪૩૫.૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો.
જોકે, આજે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હતું. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪,૭૫૨.૭૧ કરોડની ખરીદી સામે રૂ. ૨૦,૪૩૭.૩૪ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૫૬૮૪.૬૩ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬,૪૩૩.૬૭ કરોડની ખરીદી સામે રૂ. ૧૦,૩૯૩.૭૭ કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. ૬૦૩૯.૯૦ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
એકંદરે તાજેતરમાં જાહેર થઈ રહેલા નિરાશાજનક કોર્પોરેટ પરિણામો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોનાં અવિરત બાહ્યપ્રવાહને ધ્યાનમાં લેતા બજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ રહ્યું છે. જોકે, મિડકેપ અને સ્મોલકેપ શૅરોમાં તાજેતરના ઘટાડા બાદ બાર્ગેઈન હંન્ટિંગ જોવા મળી રહ્યું છે, પરંતુ લેવાલી જળવાઈ રહેવા અંગે અનિશ્ર્ચિતતા પ્રવર્તી રહી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં જોવા મળી રહેલો વધારો ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત ધીમી ગતિએ કરે તેવો સંકેત આપતો હોવાથી ઉભરતા રાષ્ટ્રોમાં રોકાણ માટે રોકાણકારો અવઢવમાં હોવાનું જણાય છે. તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગ લિ.નાં રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડૅન્ટ અજીત મિશ્રાએ જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોનો બાહ્યપ્રવાહ અને નિરાશાજનક પરિણામો બજાર પર દબાણ લાવી રહ્યા છે.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી નવ શૅરના ભાવ વધીને અને ૨૧ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૪.૭૯ ટકાનો વધારો બજાજ ફાઈનાન્સમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે ટેક મહિન્દ્રામાં ૨.૨૮ ટકાનો, એચસીએલ ટેક્નોલૉજીસમાં ૧.૨૯ ટકાનો, ટીસીએસમાં ૧.૨૭ ટકાનો, એચડીએફસી બૅન્કમાં ૧.૨૬ ટકાનો, ઈન્ફોસિસમાં ૧.૧૮ ટકાનો, બજાજ ફિનસર્વમાં ૦.૯૭ ટકાનો, મારુતિ સુઝુકીમાં ૦.૩૫ ટકાનો અને કોટક મહિન્દ્રા બૅન્કમાં ૦.૧૩ ટકાનો સુધારો આવ્યો હતો. જોકે તેની સામે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૩.૨૩ ટકાનો, સન ફાર્મામાં ૨.૫૭ ટકાનો, પાવર ગ્રીડ કોર્પોરેશનમાં ૧.૮૬ ટકાનો, એનટીપીસીમાં ૧.૭૪ ટકાનો, અદાણી પોર્ટસમાં ૧.૬૮ ટકાનો અને લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં ૧.૫૬ ટકાનો ઘટાડો આયો હતો.
એકંદરે આજે સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૯૩ ટકાનો અને મિડિકેપ ઈન્ડેક્સમાં ૦.૪૮ ટકાનો સુધારો જોવા મળ્યો હોવાથી આજે થયેલા કુલ ૪૦૩૧ શૅરોમાં કામકાજ પૈકી ૨૦૯૬ શૅરના ભાવ વધીને અને ૧૮૨૭ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે ૧૦૮ શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.
બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડેક્સમાં પાવર ઈન્ડેક્સમાં ૧.૩૯ ટકાનો, કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં ૧.૧૭ ટકાનો, ઈન્ડસ્ટ્રીયલ ઈન્ડેક્સમાં ૦.૭૫ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૦.૭૧ ટકાનો અને યુટિલિટી ઈન્ડેક્સમાં ૦.૫૭ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આઈટી ઈન્ડેક્સમાં ૧.૯૮ ટકાનો, ટેક્નોલૉજી ઈન્ડેક્સમાં ૧.૨૫ ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં ૦.૪૧ ટકાનો અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૦.૪૦ ટકાનો સુધારો જોવા મળ્યો હતો.
વધુમાં આજે એશિયન બજારોમાં સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજાર સુધારા સાથે અને ટોકિયોની બજાર નરમાઈના વલણ સાથે બંધ રહી હતી, જ્યારે યુરોપના બજારમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હતું. તેમ જ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯૭ ટકા ઘટીને બેરલદીઠ ૭૫.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.