સેન્સેક્સમાં ૨૧૦.૪૫ પૉઈન્ટનો ઘટાડો, નિફ્ટીમાં ૩૩.૯૦ પૉઈન્ટની નરમાઈ છતાં ૨૪,૦૦૦ની સપાટી જાળવવામાં સફળ
બૅન્કિંગ અને ફાઈનાન્સ શૅરોમાં નફારૂપી વેચવાલીએ ચાર સત્રની તેજીને બ્રેક
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક શૅર બજારમાં સતત ચાર સત્ર સુધી તેજીનો અન્ડરટોન જળવાઈ રહ્યા બાદ આજે ખાસ કરીને બૅન્કિંગ અને ફાઈનાન્સ ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોએ નફો બૂક કરતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૧૦.૪૫ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૩૩.૯૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ઈન્ડેક્સ હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં બે ટકા કરતાં વધુ માત્રામાં ઉછાળો આવ્યો હોવાથી સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૭૯,૦૦૦ની અને ૨૪,૦૦૦ની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યા હતા. એકંદરે આજે મધ્યસત્ર સુધી તેજીનું વલણ જળવાઈ રહ્યા બાદ ચોક્કસ કાઉન્ટરમાં નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં પીછેહઠ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૬૫૮.૭૭ કરોડની ચોખ્ખી લેવાલી જોવા મળ્યા બાદ આજે રૂ. ૨૩.૦૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે આજે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૬૬૫૮.૩૧ કરોડની લેવાલી રહી હોવાનું એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૯,૨૪૩.૧૮ના બંધ સામે મજબૂત અન્ડરટોને ૭૯,૪૫૭.૫૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન વિક્રમ ૭૯,૬૭૧.૫૮ની ઊંચી સપાટીને સ્પર્શ્યા બાદ નીચામાં ૭૮,૯૦૫.૮૯ સુધી ગબડીને અંતે ગઈકાલના બંધ સામે ૨૧૦.૪૫ પૉઈન્ટ અથવા તો ૦.૨૭ ટકા ઘટીને ૭૯,૦૩૨.૭૩ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૪,૦૪૪.૫૦ના બંધ સામે સુધારા સાથે ૨૪,૦૮૫.૯૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૩,૯૮૫.૮૦થી ૨૪,૧૭૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૩૩.૯૦ પૉઈન્ટ અથવા તો ૦.૧૪ ટકા ઘટીને ૨૪,૦૧૦.૬૦ના મથાળે બંધ રહ્યો હતો.
છેલ્લા ચાર સત્રમાં સેન્સેક્સમાં ૨.૩૬ ટકા અથવા તો ૨૦૩૩.૨૮ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. જોકે, આજના ઘટાડા સાથે સપ્તાહ દરમિયાન સેન્સેક્સમાં ૧૮૨૨.૮૩ પૉઈન્ટ અથવા તો ૨.૬૩ ટકાનો સુધારો નોંધાયો છે. તેમ જ એકંદરે જૂન મહિનામાં સેન્સેક્સમાં ૭.૧૪ ટકાનો ઉછાળો આવ્યો છે. તેમ જ આજે બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને ઓલ ટાઈમ હાઈ રૂ. ૪૩૯.૨૪ લાખ કરોડ (૫.૨૬ ટ્રિલિયન ડૉલર)ની સપાટીએ પહોંચ્યું હતું.
આજે મધ્યસત્ર સુધી બજારમાં સુધારાતરફી વલણ રહેતા બન્ને બૅન્ચમાર્કે ઈન્ટ્રા ડે હાઈ સાપીટી બતાવ્યા બાદ બૅન્કિંગ અને ફાઈનાન્સ સ્ટોકે ઘટાડાની આગેવાની લેતાં ભારે ચંચળતા રહી હતી. જોકે, સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે ૭૯,૦૦૦ની અને ૨૪,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યા હોવાનું મેહતા ઈક્વિટીઝ લિ.નાં રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવ્યું હતું.
આગામી અંદાજપત્રમાં સારા પ્રસ્તાવો અંગેનો આશાવાદ આર્થિક વૃદ્ધિદરના અંદાજમાં સુધારા તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો આંતરપ્રવાહ શરૂ થતાં લાર્જકેપ શૅરોના ભાવમાં સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, ઊંચા મથાળેથી સપ્તાહના અંતને કારણે ખાનગી બૅન્કો અને ફાઈનાન્સ શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ચાર સત્રની તેજીને બ્રેક લાગી હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી આજે ૧૦ શૅરના ભાવ વધીને અને ૨૦ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ ૨.૬૧ ટકાનો ઘટાડો એક્સિસ બૅન્કમાં જોવા મળ્યો હતો. આ સિવાય અન્ય મુખ્ય ઘટનાર શૅરોમાં એક્સિસ બૅન્કમાં ૨.૦૬ ટકાનો, ભારતી એરટેલમાં ૧.૮૦ ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૧.૬૦ ટકાનો, કોટક બૅન્કમાં ૧.૪૧ ટકાનો અને જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૧.૨૫ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે મુખ્ય વધનાર શૅરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ૨.૩૧ ટકાનો, ટાટા મોટર્સમાં ૧.૮૬ ટકાનો, એશિયન પેઈન્ટ્સમાં ૧.૩૧ ટકાનો, નેસ્લેમાં ૦.૯૮ ટકાનો, ટાઈટનમાં ૦.૬૨ ટકાનો અને સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં ૦.૫૬ ટકાનો સુધારો આવ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ વધીને ₹ ૨૧ લાખ કરોડ
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શૅરના ભાવમાં આજે બે ટકા કરતાં વધુ માત્રામાં વધારો થતાં કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ. ૨૧ લાખ કરોડની સપાટી પાર કરી ગયું હતું અને માર્કેટ કેપિટલાઈઝેશનની દૃષ્ટિએ સૌથી ઊંચું મૂલ્ય ધરાવતી કંપની બની હતી. આજે બીએસઈ ખાતે ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શૅરના ભાવ ૨.૩૧ ટકા વધીને શૅરદીઠ રૂ. ૩૧૩૧.૮૫ની સપાટીએ બંધ રહ્યા હતા. તેમ જ સત્ર દરમિયાન એક તબક્કે ભાવ ૩.૨૭ ટકા વધીને રૂ. ૩૧૬૧.૪૫ની વિક્રમ સપાટીએ પહોંચ્યા હતા. તે જ પ્રમાણે આજે એનએસઈ ખાતે પણ શૅરના ભાવ ગઈકાલના બંધ સામે ૨.૧૯ ટકા વધીને રૂ. ૩૧૨૮.૨૫ની સપાટીએ બંધ રહ્યા હતા.
આમ એકંદરે શૅરમાં તેજીનું વલણ રહેતાં કંપનીનું માર્કેટ વૅલ્યુએશન રૂ. ૪૭,૭૭૭.૫૭ કરોડ વધીને રૂ. ૨૧,૧૮,૯૫૧.૨૦ કરોડની સપાટીએ રહ્યું હતું. તેમ જ આજે બીએસઈ ખાતે ૧૦.૩૩ લાખ શૅરના અને બીએસઈ ખાતે ૧૪૪.૭૭ લાખ શૅરના કામકાજ થયા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં બીએસઈ ખાતે રિલાયન્સનાં શૅરના ભાવમાં ૨૧.૧૬ ટકાનો ઉછાળો આવ્યો છે. તેમ જ ગત ૧૩મી ફેબ્રુઆરીના રોજ રૂ. ૨૦ લાખ કરોડનું કેપિટલાઈઝેશન હાંસલ કરનારી દેશની પહેલી કંપની બની હતી.