સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગેનો નિર્ણય જાહેર કરે એ પહેલા ડહોળાયેલા વૈશ્ર્વિક સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક બજારમાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેચવાલી તીવ્ર બનતા સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો અને નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી ગુમાવી હતી. સેન્સેક્સ ૭૯૬ પોઈન્ટ્સ અથવા ૧.૯૮ ટકાના કડાકા સાથે ૬૭,૦૦૦ની સપાટી તોડતો ૬૬,૮૦૦.૮૪ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો છે. સત્ર દરમિયાન તે ૬૬,૭૨૮ની દિવસની નીચી સપાટીએ પહોંચ્યો હતો. દરમિયાન, નિફ્ટી બેન્ચમાર્ક ૧.૧૫ ટકા અથવા ૨૩૧.૯૦ પોઈન્ટના કડાકા સાથે ૧૯,૯૦૧.૪૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
અમેરિકન બોન્ડની ઉપજ યુએસ ફેડરલની બેઠકના પરિણામ પહેલાં ૧૬ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હોવાથી બુધવારે સ્થાનિક બેન્ચમાર્કનો પ્રારંભ જ રેડ ઝોનમાં થયો હતો અને ઇન્ડેક્સ હેવીવેઇટ એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ઇન્ફોસિસની આગેવાનીે વેચવાલી ઝડપી બનતાબજારનું માનસ ખોરવાઇ ગયું હતું. બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. ૨.૨૫ લાખ કરોડ ઘટીને રૂ. ૩૨૦.૬૩ લાખ કરોડ થયું છે.
સેન્સેક્સ પેકમાંથી એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જેેસડબલ્યુ સ્ટીલ, મારૂતિ અને અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લુઝર હતા.એચડીએફસી બેન્કે સોમવારે એવા સંકેત આપ્યા હતા કે એચડીએફસી સાથેના મર્જર પછી તેની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ પહેલી જુલાઈથી વધવાની શક્યતા છે, આ પછીથી એચડીએફસી બેન્કના શેરમાં ત્રણેક ટકાનો ઘસારો થયો છે. કંપનીએ ભારતીય વાયુસેના સાથે રૂ. ૨૯૧ કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત ડાયનેમિક્સના શેરમાં ત્રણ ટકાનો વધારો થયો હતો.
ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળના સેન્ટર ફોર મટિરિયલ્સ ફોર ઇલેક્ટ્રોનિક્સ ટેકનોલોજી સાથે ભારતની અગ્રણી ઇ-વેસ્ટ રિસાયક્લિંગ કંપની ઇકોરેકોએ વ્યૂહાત્મક ભાગીદારી કરી છે, જેનો ઉદ્દેશ્ય લી-આયન બેટરીમાંથી કિંમતી તત્વોની કાર્યક્ષમ પુન:પ્રાપ્તિ માટે અત્યાધુનિક ટેકનોલોજીને રજૂ કરવાનો છે, જેનાથી પર્યાવરણ અને રાષ્ટ્રની સંસાધન બન્ને પર સકારાત્મક અસર પડશે.
એમએન્ડએમનું માર્કેટ વેલ્યુએશન બે લાખ કરોડને આંબીને રૂ. ૨.૦૩ લાખ કરોડે પહોંચ્યું છે. ઇન્ટીગે્રટેડ સ્ટેનલેસ સ્ટીલ, સ્પેશિયલ સ્ટીલ અને ઉચ્ચ એલોય સ્ટીલના ઉત્પાદન અને પ્રક્રિયાના ક્ષેત્રમાં અગ્રણી કંપની મંગલમ એલોયસ લિમિટેડે આજે લાવશે જે ૨૫મીએ બંધ થશે. કંપની આ આઇપીઓના માધ્યમથી રૂ. ૫૪.૯૧ કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવાના છે. ભરણાનું કદ રૂ.૫૪.૯૧ કરોડ છે અને શેરદીઠ રૂ. ૮૦ની નિયત કિંમત નક્કી થઇ છે.
આ વર્ષે અત્યાર સુધીમાં ૪૧ એસએમઇ આઇપીઓમાં રોકાણકારોએ લગભગ ૩૦૦ ટકા સુધીનું વળતર મેળવ્યું છે. દરમિયાન વાયર કંપની આરઆર કાબેલનું લગભગ ૧૪ ટકાના પ્રીમિયમ સાથે એનએસઇ પર રૂ. ૧૧૮૦ના ભાવે લિસ્ટિંગ થયું હતું. અપડેટર સર્વિસિસનો આઇપીઓ ૨૫મીએ ખૂલી રહ્યો છે અને ૨૭મીએ બંધ થશે. ડીઆરએચપી અનુસાર ફ્રેશ ઇશ્યુ રૂ. ૪૦૦ કરોડનું રહેશે.
જીઓપોલિટિકલ સમસ્યા નથી પરંતુ ઓપેક અને રશિયાના ઉત્પાદન કાપને કારણે ક્રૂડના ભાવ વધી રહ્યાં છે તો બીજી તરફ કેનેડા સાથેના સંબંધો વણસ્યા છે. કેનેડા સાથે વધતી તંગદીલીને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે કેનેડામાં વસતા અને મુસાફરી કરતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી બહાર પાડીને ચેતવ્યા છે કે ત્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને રાજકીય પ્રેરિત હેટ ક્રાઇમ વધી રહ્યો હોવાથી સાવધ રહેવું. તાજેતરમાં ત્યાં ભારત-વિરોધી પ્રવૃત્તિનો વિરોધ કરનારા ભારતીય રાજદ્વારીઓ અને નગારિકોને લક્ષ્ય બનાવાયા હોવાથી આ સૂચના અપાઇ છે. ભારત અને કેનેડા વચ્ચે અંદાજે રૂ. ૮૦૦૦ કરોડની આયાતનિકાસ થાય છે.
નજીકના ગાળામાં બજાર માટે ઘણા પડકારો છે. બ્રેન્ટ ક્રૂડ ૯૪ પર, ડોલર ઇન્ડેક્સ ૧૦૫થી ઉપર, બે વર્ષના અમેરિકન બોન્ડ યીલ્ડ ૫.૦૯ ટકા અને ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. સ્ટોક એક્સચેન્જના ડેટા અનુસાર વિદેશી રોકાણકારોએ સોમવારે ચોખ્ખા ધોરણે રૂ. ૧,૨૩૭ કરોડના શેરનું વેચાણ કર્યું હતું, જ્યારે તેમના સ્થાનિક સમકક્ષોએ રૂ. ૫૫૩ કરોડના મૂલ્યની ઇક્વિટી ખરીદી હતી.
વૈશ્ર્વિક ઇક્વિટી બજારમાં એકંદર સાવચેતીનું માનસ હતું, રોકાણકારોની ચીનની આર્થિક પરિસ્થિતિ પર પણ ચાંપતી નજર છે અને યુએસ ફેડરલ રિઝર્વ ઉપરાંત અન્ય મુખ્ય કેન્દ્રીય બેંકોના નીતિ નિર્ણયોની પણ આતુરતાથી પ્રતીક્ષા સેવાઇ રહી છે. વૈશ્ર્વિક મોરચે બજારમાં એવી અપેક્ષા ચર્ચાઇ રહી હતી કે યુએસ ફેડરલ રિઝર્વ તેની આગામી મીટિંગ દરમિયાન તેના વર્તમાન વ્યાજ દરો જાળવી રાખશે. બજારના અભ્યાસુઓ ફેડરલ દ્વારા વ્યાજ દરની ભાવિ દિશા વિશેના કોઈપણ સંકેતો પર પણ ઝીણી નજર રાખશે.
ક્રૂડ ઓઇલના એકધારા ભાવ વધારાને કારણે વૈશ્ર્વિક સ્તરે ઇન્ફ્લેશન ફરી માથાનો દુખાવો બનશે એવી આશંકા સેવાઇ રહી છે.
સેન્સેક્સમાં પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૨.૩૨ ટકા, એશિયન પેઈન્ટ ૦.૬૧ ટકા, સન ફાર્માસ્યુટીકલ ઈન્ડસ્ટ્રીઝ ૦.૪૫ ટકા, આઈટીસી ૦.૨૪ ટકા અને એક્સિસ બેન્ક ૦.૨૨ ટકા વધ્યા હતા, જ્યારે એચડીએફસી બેન્ક ૪.૦૦ ટકા, જેએસડબલ્યૂ સ્ટિલ ૨.૬૦ ટકા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૨.૨૧ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૪ ટકા અને ટાટા સ્ટિલ ૧.૬૫ ટકા ઘટ્યા હતા. ટી ગ્રુપની એક કંપનીને, એક્સ ગ્રુપની બે કંપનીઓને અને એક્સટી ગ્રુપની એક કંપનીને નીચલી સર્કીટ લાગી હતી.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં યુટિલિટીઝ ૦.૪૮ ટકા અને પાવર ૦.૩૫ ટકા વધ્યા હતા, જ્યારે કોમોડિટીઝ ૧.૩૯ ટકા, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી ૦.૫૭ ટકા, એનર્જી ૦.૭૫ ટકા, એફએમસીજી ૦.૪૨ ટકા, ફાઈનાન્શિયલ સર્વિસીસ ૧.૩૯ ટકા, હેલ્થકેર ૦.૫૬ ટકા, ઈન્ડસ્ટ્રીયલ્સ ૦.૪૧ ટકા ગબડ્યો હતો.
જ્યારે આઈટી ઇન્ડેક્સ ૦.૪૭ ટકા, ટેલિકોમ્યુનિકેશન ૦.૯૫ ટકા, ઓટો ૦.૫૧ ટકા, બેન્કેક્સ ૧.૦૫ ટકા, કેપિટલ ગુડ્સ ૦.૪૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૦.૪૧ ટકા, મેટલ ૧.૨૫ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૦.૬૮ ટકા, રિયલ્ટી ૧.૨૦ ટકા, ટેક ૦.૪૭ ટકા અને સર્વિસીસ ૦.૬૬ ટકા ઘટ્યા હતા.