વેપાર

નવા વર્ષમાં સેન્સેક્સ 1 લાખના આંકડાને પાર કરશે?

મુંબઈ: અમેરિકન બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેન્લીનું અનુમાન છે કે ભારતનું અર્થતંત્ર સ્થિર રહેશે.

મજબૂત સ્થાનિક રોકાણને કારણે ૨૦૨૫માં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ઊભરતાં બજારોમાંનું એક બની શકે છે. જો વર્તમાન બજારનો ટ્રેન્ડ ચાલુ રહેશે તો સેન્સેક્સ એક વર્ષમાં ૧,૦૫,૦૦૦ની સપાટીને સ્પર્શી શકે છે. આ વર્તમાન સ્તરોથી ૨૮.૫ ટકાનો વધારો દર્શાવે છે. જો ક્રૂડ ઓઈલની કિંમત સતત બેરલ દીઠ ૭૦ની નીચે રહેશે તો સેન્સેક્સ આ સ્તરને હાંસલ કરશે. તેના કારણે ફુગાવો ઘટશે અને આરબીઆઈ વ્યાજદરમાં અપેક્ષા કરતા વધુ ઘટાડો કરશે.

બેઝ કેસ: બ્રોકરેજ ફર્મે કહ્યું કે આગામી એક વર્ષમાં સામાન્ય વલણ (બેઝ કેસ)ના કિસ્સામાં પણ સેન્સેક્સ ૯૩,૦૦૦ના સ્તરને સ્પર્શી શકે છે. આ ૧૩.૮ ટકાનો વધારો દર્શાવે છે. સરકારી ખાધમાં ઘટાડો થવાથી અર્થવ્યવસ્થામાં સ્થિરતા જળવાઈ રહેશે, ખાનગી રોકાણ વધશે અને વાસ્તવિક વૃદ્ધિ અને વાસ્તવિક દર વચ્ચેનો તફાવત વધશે તેવી ધારણા પર આ અંદાજ લગાવવામાં આવ્યો છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે જો બજારમાં મંદી (બેયર કેસ) આવે તો સેન્સેક્સ વર્તમાન સ્તરથી ૧૪.૩ ટકા ઘટીને એક વર્ષમાં ૭૦ હજારના સ્તરે આવી શકે છે. આવું ત્યારે થશે જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધીને ૧૧૦ પ્રતિ બેરલ થઈ જશે અને અમેરિકાની અર્થવ્યવસ્થા મંદીમાં આવી જશે.

માર્ક મોબિયસ ૧૮ મહિનામાં ૨૦ ટકા વળતરની અપેક્ષા રાખે છે. મોબિયસ ઇમર્જિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફંડના ચેરમેન માર્ક મોબિયસ ભારતના વિકાસ અંગે આશાવાદી છે.તેઓ આગામી ૧૨-૧૮ મહિનામાં ભારતીય બજારમાંથી ૨૦ ટકા વળતરની અપેક્ષા રાખે છે.

તેમનું માનવું છે કે ભારત ચીન કરતાં વધુ સારું પ્રદર્શન કરશે. દરમિયાન, રિન્યુએબલ એનર્જીમાં તેજીના કારણે ગ્રીન ઈન્વેસ્ટમેન્ટમાં ભારતે ચીનને પાછળ છોડી દીધું છે. ત્રીજા ક્વાર્ટરમાં લગભગ ૨૦ હજાર કરોડ રૂપિયાના સોદા પૂરા થયા હતા. આ ચીન કરતાં ચાર ગણું છે.

દરમિયાન, મોર્ગન સ્ટેનલીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતીય ઈક્વિટીએ (સેન્સેક્સ) ૧૦, ૧૫, ૨૦ અને ૨૫ વર્ષની મુદતમાં રિયલ એસ્ટેટ, સોનું, ૧૦-વર્ષના બોન્ડ્સ અને બેંક ફિક્સ્ડ ડિપોઝિટ જેવી અસ્કયામતો કરતાં વધુ વળતર આપ્યું છે.

અન્ય શ્રેણીઓની સરખામણીમાં. જોકે, આ વળતર (પ્રી-ટેક્સ) હાંસલ કરવા માટે, રોકાણકારોએ રોકાણ કરતી વખતે જોખમ લેવા અને શેરોમાં થતી વધઘટને સહન કરવા સક્ષમ હોવા જોઈએ, એમ અહેવાલમાં જણાવાયું છે.

મોર્ગન સ્ટેનલીના જણાવ્યા મુજબ, ઇક્વિટીઝ (આ કિસ્સામાં સેન્સેક્સ)એ ૨૫ વર્ષના સમયગાળામાં ૧૫ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે પ્રી-ટેક્સ વળતર આપ્યું હતું, જે સોના (૧૧.૧ ટકા), બેન્ક એફડી (૭.૩ ટકા) કરતાં વધુ સારું હતું.

જો કે, ઇક્વિટી રોકાણકારોએ આ વળતર માટે ૩૦.૭ ટકાની ઊંચી વધઘટનો સામનો કરવો પડયો હતો, જ્યારે સોનામાં ૧૧.૩ ટકા અને બેન્ક એફડી માટે ૧.૬ ટકા હતો. મોર્ગન રિપોર્ટ મુજબ જો આપણે છેલ્લા દાયકામાં સંપત્તિ સર્જન પર નજર કરીએ, તો એવું અનુમાન છે કે પરિવારોએ ૮.૫ ટ્રિલિયન ડોલરની સંપત્તિ મેળવી છે જેમાં લગભગ ૧૧ ટકા ઇક્વિટીમાંથી આવ્યા હતા.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સોનામાં ભાવ વધવાના કારણે સંપત્તિમાં તીવ્ર વધારો થયો છે. ભારતીય પરિવારો હજુ પણ ઈક્વિટીમાં ઓછું રોકાણ કરે છે. માત્ર ૩ ટકા પરિવારોની નાણાકીય સંપત્તિ ઇક્વિટીમાં છે. તેમનું માનવું છે કે આવનારા વર્ષોમાં આ સંખ્યા વધીને બે આંકડા સુધી પહોંચી શકે છે. મોર્ગન સ્ટેન્લીનો અંદાજ છે કે સ્થાપક સંપત્તિને બાદ કરતાં, ઇક્વિટી હોલ્ડિંગ વર્તમાન બજાર કિંમતો પર લગભગ ૮ ટકા પરિવારોની નાણાકીય સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button