મુંબઇ: વિદેશી ફંડોના ઇન્ફ્લોમાં થયેલા વધારા સાથે સ્થાનિક સ્તરે ઓટો અને એફએમસીજી શેરોની આગેવાનીમાં નીકળેલી નવી લેવાલીના બળે બંને બેન્ચમાર્ક નવી વિક્રમી ઊંચી સપાટીએ ગોઠવાયા હતા. મંગળવારે સેન્સેક્સ ૮૦,૩૫૨ પોઇન્ટની અને નિફ્ટી ૨૪,૪૩૩ પોઇન્ટની નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. . બીએસઇનો ત્રીસ શેરો ધરાવતો બેન્ચમાર્ક સેન્સેક્સ ૩૯૧.૨૬ પોઈન્ટ અથવા ૦.૪૯ ટકા વધીને ૮૦,૩૫૧.૬૪ પોઇન્ટની નવી બંધ ટોચ પર સેટલ થયો હતો. દિવસ દરમિયાન તે ૪૩૬.૭૯ પોઈન્ટ અથવા ૦.૫૪ ટકા ઉછળીને ૮૦,૩૯૭.૧૭ પોઇન્ટની નવી જીવનકાળની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૧૧૨.૬૫ પોઈન્ટ અથવા ૦.૪૬ ટકા વધીને ૨૪,૪૩૩.૨૦ પોઇન્ટના સ્તર પર પહોંચ્યો હતો, જે તેની રેકોર્ડ ઊંચી સપાટી દર્શાવે છે. દિવસ દરમિયાન તે ૧૨૩.૦૫ પોઈન્ટ અથવા ૦.૫૦ ટકા વધીને ૨૪,૪૪૩.૬૦ પોઇન્ટની નવી રેકોર્ડ ટોચ પર પહોંચ્યો હતો. હાલમાં સ્થાનિક અને વૈશ્ર્વિક પરિબળો તેજીવાળાની તરફેણમાં છે. વરસાદની પ્રગતિ અને ખરીફ વાવેતર આગળ વધવા સાથે ખાસ કરીને જેને વધુ લાભ મળવાનો છે એવા ઓટોમોબાઇલ અને એફએમસીજી ક્ષેત્રના શેરોમાં લાવલાવ જોવા મળી હતી.
રોકાણકારો કોર્પોરેટ ક્ષેત્રના પ્રથમ ત્રિમાસિક સમયગાળાના પરિણામોની પ્રતીક્ષા કરી રહ્યાં છે, જેમાં નાણાકીય ડેટા અને આગામી સમય માટેના ગાઇડન્સ પરથી બજારને દિશા મળશે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ફરીથી લેવાલી કરી રહ્યાં હોવાને કારણે બજારનું માનસ પોઝિટિવ રહ્યું છે. બીએસલઇનું માર્કેટ કેપ રૂ. ૪૫૧.૨૭ લાખ કરોડની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઇન્ડેક્સ ૦.૩૬ ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ ૦.૨૨ ટકા વધ્યો હતો. ટેલિકોમ્યુનિકેશન, કેપિટલ ગૂડસ અને ટેકનોલોજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
બીએસઇમાં કુલ ટ્રેડેડ શેરોમાં ૨૦૧૦ શેરમાં સુધારો અને ૧૯૨૪ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ૯૨ શેર મૂળ સપાટીએ પાછાં ફર્યાં હતાં. કુલ ૩૨૦ શેરમાં ઉપલી સર્કિટ અને ૨૪૨ શેરમાં નીચલી સર્કિટ લાગી હતી.
રાજ્યમાં પર્યાવરણને અનુકૂળ વાહનોને પ્રોત્સાહન આપવાની પહેલના ભાગરૂપે ઉત્તર પ્રદેશ સરકારે હાઇબ્રિડ કાર પરના રજિસ્ટ્રેશન ટેક્સને માફ કર્યાના અહેવાલો વચ્ચે સેન્સેક્સના શેરોમાં, મારુતિ સુઝુકી ઈન્ડિયાએ છ ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
અન્ય ગેઇનર્સમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન, સન ફાર્મા, આઇટીસી, નેસ્લે અને ટાટા મોટર્સ અન્ય મોટા શેરો હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લુઝર્સ હતા. એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને શાંઘાઈ ઊંચામાં સ્થિર થયા હતા, જ્યારે હોંગકોંગ નેગેટીવ ઝોનમાં સરક્યું હતું. યુરોપિયન બજારો મોટે ભાગે નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે યુએસ બજારો મોટાભાગે ઊંચા સ્તરે બંધ રહ્યા હતા.
એક્સચેન્જ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સોમવારે રૂ. ૬૦.૯૮ કરોડની ઇક્વિટી ખરીદી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૧ ટકા ઘટીને ૮૫.૩૧ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે.
બજાર કોઇ દેખીતા અથવા તો નક્કર કારણ વગર લગભગ રોજ નવી ઊંચી સપાટી હાંસલ કરી રહ્યું છે તેને કારણે રોકાણકારો હર્ષિત હોવા સાથે સહેજ ચિંતિત પણ છે. જોકે, ટેક્નિકલ એનાલિસ્ટ માને છે કે જો નિફ્ટી ૨૪,૦૦૦ની સપાટી ટકાવી રાખવામાં સફળ રહે તો, આગામી સત્રોમાં તે ૨૪,૫૦૦ અને તે પછી ૨૪,૮૦૦ સુધી આગળ વધી શકે છે.
બજારનો અંડરટોન મજબૂત છે. પાંચમી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન લગભગ આઠ ટકાના વધારા સાથે બેન્ચમાર્ક ઇન્ડેક્સે સતત પાંચમા સપ્તાહમાં સુધારો નોંધાવ્યો હતો. વિશ્ર્લેષકો અનુસાર માર્કેટનું વલણ એકંદરેે હકારાત્મક રહેશે, જો કે, કોર્પોરેટ પરિણામની સિઝનની શરૂઆત અને યુએસ અને ભારતના ફુગાવાના આંકડા જાહેર થવા સાથે અસ્થિરતા જોવા મળી શકે છે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ સ્ક્રિપ્સમાંના મુખ્યત્વે મારુતિ ૬.૬૦ ટકા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૨.૫૧ ટકા, આઈટીસી ૨.૦૯ ટકા, સન ફાર્મા ૧.૯૭ ટકા, ટાઈટન ૧.૯૬ ટકા, તાતા મોટર્સ ૧.૨૪ ટકા, નેસ્લે ઈન્ડિયા ૧.૦૫ લાર્સન ૦.૯૩ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક૦.૮૯ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૮૮ ટકા વધ્યા હતા. જ્યારે રિલાયન્સ ૦.૬૯ ટકા, કોટક બેન્ક ૦.૬૧ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૪૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૦.૩૯ ટકા, તાતા સ્ટીલ ૦.૨૯ ટકા, ઈન્ફોસિસ ૦.૨૬ ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક ૦.૨૩ ટકા, એચસીએલ ટેકનોલોજી ૦.૧૫ ટકા એનટીપીસી ૦.૧૫ ટકા અને એક્સિસ બેન્ક ૦.૦૭ ટકા ઘટ્યા હતા.સોમવારે બીએસઇ બેન્ચમાર્ક ૩૬.૨૨ પોઈન્ટ અથવા ૦.૦૫ ટકા ઘટીને ૭૯,૯૬૦.૩૮ પર સેટલ થયો હતો. એનએસઇ નિફ્ટી ૩.૩૦ પોઈન્ટ અથવા ૦.૦૧ ટકા ઘટીને ૨૪,૩૨૦.૫૫ પર આવી ગયો હતો.