વેપાર

એફઆઇઆઇની સારી લેવાલી છતાં સેન્સેક્સ અને નિફ્ટી અત્યંત મામૂલી સુધારા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારે તેજીની આગેકૂચ સાથે ગુુરુવારે પણ નવો વિક્રમ નોંધાવ્યો છે, જોકે સુધારો અત્યંત મામૂલી રહ્યો હતો. શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. સેન્સેકસ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટી નોંધાવી છે. સત્ર દરમિયાન, સેન્સેકસ 74,245.17 પોઇન્ટની નવી ઇન્ટ્રા ડે હાઈ સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 22,525.65 પોઇન્ટની નવી ઇન્ટ્રા ડે ઓલ ટાઈમ હાઈ સપાટી વટાવી ગયો હતો.
જોકે સુધારો ધોવાઈ જતા બંને બેન્ચમાર્કમાં કહેવા પુરતી આગેકૂચ રહી છે. સેન્સેક્સ 33.40 પોઇન્ટ અથવા તો 0.05 ટકાના સુધારા સાથે 74,119.39 પોઇન્ટની નવી ટોચે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 19.50 પોઇન્ટ અથવા તો 0.09 ટકાના સુધારા સાથે 22,493.55ની નવી ટોચે સ્થિર થયો હતો. વિદેશી અને સ્થાનિક ફંડેો બે દિવસમાં લગભગ 15,000 કરોડની લેવાલી નોંધાવી હોવા છતાં સુધારો સામાન્ય રહ્યો હતો.
ટાટા સ્ટીલ 3.9 ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર બન્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ 2.09 ટકા ઊછળ્યો હતો. ટાટા મોટર્સમાં 2.14 ટકાનો, બજાજ ફિનસર્વમાં બે ટકા અને બજાજ ફાઇનાન્સમાં 1.71 ટકા સુધારો નોંધાયો હતો. અન્ય વધવનારા શેરોમાં એશિયન પેઇન્ટ્સ, આઇટીસી અને નેસ્લેનો સમાવેશ હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને પાવરગ્રીડ ટોપ લુઝર રહ્યાં હતાં. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં સુધારો જોવા મળ્યો હતો.
પ્રાઇમરી માર્કેટમાં ભારે હલચલ છે. વીમેન્સ એપેરલની અગ્રણી ઉત્પાદક અને માર્કેટીંગ કંપની સિગ્નોરિયા ક્રિએશન લિમિટેડ 12 માર્ચે પ્રારંભિક જાહેર ઓફર સાથે મૂડીબજારમાં પ્રવેશ કરી રહી છે. કંપની આ આઇપીઓ દ્વારા અપર પ્રાઇસ બેન્ડ પર રૂ. 9.28 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેમાં શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થવાના છે. પ્રાઇસ બેન્ડ રૂ. 61થી રૂ. 65 નક્કી થઇ છે અને માર્કેટ લોટ સાઈઝ 2,000 ઈક્વિટી શેરનો છે. આ ભરણું 14મી માર્ચે બંધ થશે.
એસએમઇ સેગમેન્ટમાં ભારતની અગ્રણી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપનીમાંની એક એવીપી ઈન્ફ્રાકોન લિમિટેડ 13 માર્ચે પ્રારંભિક જાહેર ઓફર મૂડીબજારમાં પ્રવેશ કરી કરી છે. કંપની આ આઇપીઓ દ્વારા ઉપલા સ્તરે રૂ. 52.34 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મની યાદીમાં લિસ્ટ થશે. પ્રાઇસ બેન્ડ રૂ. 71થી રૂ. 75 નક્કી થઇ છે અને માર્કેટ લોટ સાઈઝ 1,600 ઈક્વિટી શેરનો છે. આ ભરણું 15મી માર્ચે બંધ થશે.
ઇલેક્ટ્રિકલ અને ફાયર ફાઇટીંગ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રણી કંપની રૂલ્કા ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ એસએમઇ સેગમેન્ટમાં જાહેર ભરણું લાવવાની યોજના ધરાવે છે. કંપની દેશભરમાં હાજરી ધરાવે છે અને તેના ક્લાયન્ટ્સમાં ટોચની મલ્ટિનેશનલ કંપનીઓનો સમાવેશ થાય છે. એન્જિનિયરિગ, ઇન્સ્ટોલેશન અને જાળવણીમાં વિશેષતા ધરાવતી, કંપની વાણિજ્યિક, ઔદ્યોગિક અને રહેણાંક હેતુઓ માટે વિવિધ પ્રકારના વિદ્યુત પુરવઠો પૂરો પાડે છે.
ઔદ્યોગિક અને પ્લમ્બિંગ વાલ્વ અને ફીટીંગ્સની ઉત્પાદક આતમ વાલ્વ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 24ના ત્રીજા ત્રિમાસિમક અનઓડિટેડ નાણાકીય પરિણામોમાં રૂ. 12.19 કરોડની કુલ આવક, રૂ. 1.92 કરોડનો એબિટા, 15.73 ટકાનું એબિટા માર્જિન, રૂ. 1.45 કરોડનો કર પહેલાનો નફો, રૂ. 0.99 કરોડનો કર બાદનો નફો અને 8.10 ટકાનું કર બાદ નફા માર્જિન નોંધાવ્યું છે. એસબીઆઇ જનરલ ઈન્સ્યોરન્સ અને ટાટા કેપિટલએ એમઓસી કેન્સર કેર ફાઉન્ડેશન (એમઓસીએફ) સાથેસહયોગ સાધ્યો છે અને જીવનરક્ષક પહેલ અંતર્ગત બ્રેસ્ટ કેન્સર ડિટેક્શન મોબાઈલ મેમોગ્રાફી વેનની શરૂઆત કરી છે. આ વેન ખાસ કરીને સ્તન કેન્સરની વહેલી શોધને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે.
યુએસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે આ વર્ષે સંભવિત દર ઘટાડાની ખાતરી આપી અને આર્થિક મંદીના નજીકના ગાળાના જોખમોને નકારી કાઢ્યા પછી એશિયન બજારની તેજીને ટે્રક કરતા બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ ગુવારે તાજી વિક્રમી ઊંચી સપાટી બતાવી છે.ઓટો, આઈટી અને પ્રાઈવેટ બેન્કિંગ શેરો દબાણ હેઠળ જોવા મળ્યા હતા જ્યારે મેટલ્સ અને મીડિયા પેકમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button