(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ : વિદેશી ફંડોની એકધારી વેચવાલી વચ્ચે શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. સત્રને અંતે, સેન્સેક્સ ૫૫૩.૧૨ પોઈન્ટ અથવા ૦.૬૯ ટકા ઘટીને ૭૯,૩૮૯.૦૬ની સપાટીએ અને નિફ્ટી ૧૩૫.૫૦ પોઈન્ટ્સ અથવા ૦.૫૬ ટકા ઘટીને ૨૪,૨૫૦.૩૫ની સપાટીએ સ્થિર થયો હતો. ઓક્ટોબર મહિનામાં સેન્સેક્સ ૫.૮ ટકા અને નિફ્ટી ઇન્ડેક્સ ૬.૨ ટકા ગબડ્યો છે.
એશિયન બજારો તેમજ વોલ સ્ટ્રીટના શેરબજારને અનુસરતા ગુરુવારે સેન્સેક્સ, નિફ્ટીએ અવગતીની દિશા પકડી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતના હેવવાઇટ શેરો, તેમજ નાણાકીય અને આઇટી સેક્ટરમાં બ્લુચિપ શેરોમાં જબરી વેચવાલી અને પીછેહઠના કારણે બજારનું માનસ વધુ ખરડાયું હતું અને બેન્ચમાર્ક ઇક્વિટી ઇન્ડેક્સ નીચી સપાટી તરફ ખેંચાયા હતા. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ અને મારુતિ સુઝુકી ટોપ લૂઝર બન્યા હતા. જ્યારે લાર્સન એન્ડ ટૂબ્રો છ ટકાના ઉછાળા સાથે ટોપ ગેઇનર રહ્યો હતો. અન્ય વધનારા શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેન્ક, એચડીએફસી બેન્ક અને સન ફાર્માનો સમાવેશ હતો. લાર્સન એન્ડ ટૂબ્રોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પાંચ ટકાના ઉછાળા સાથે રૂ. ૩૩૯૫ કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. ગાર્ડન એસેસરીઝ, પોટ, પ્લાન્ટર્સની ઉત્પાદક અને નિકાસકાર હર્ષદીપ હોર્ટીકોએ નાણાકીય વર્ષ ૨૦૨૫ના પૂર્વાર્ધમાં ૭૧.૧૧ ટકાના વધારા સાથે રૂ.૪.૨૩ કરોડનો ચોખ્ખો નફો, ૮.૨૭ ટકાના વધારા સાથે રૂ. ૨૪.૯૨ કરોડની કુલ આવક નોંધાવી છે. ડાબર બીજા ક્વાર્ટરના ચોખ્ખા નફામાં ઘટાડા પછી તેના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
સિપ્લામાં સતત બીજા દિવસે લેવાલી જળવાઈ રહેવા સાથે મધ્ય સત્ર સુધીમાં આઠ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.બીજા ત્રિમાસિક ગાળાના પરિણામ બાદ લેવાલી વધવા સાથે લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં મધ્યસત્ર સુધીમાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એચડીએફસી બેંકની શાખા એચડીબી ફાઇનાન્શિયલએ મૂડીબજારમાં પ્રવેશવા માટે દસ્તાવેજ ફાઇલ કરવ્યા છે.મારુતિ સુઝુકીનો નફો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ૧૮ ટકા ઘટીને રૂ. ૩,૧૦૨ કરોડ અને આવક ૩૭,૪૪૯ કરોડ નોંધાઇ હતી. ફેડરલ બેન્કનો નફો ૧૧ ટકા વધ્યો હતો. એલજી ઇલેક્ટટ્રોનિકનો નફો ૧૨.૩ ટકા અને રેવેન્યુ ૭.૫ ટકા વધી હતી. કેનેરા બેન્કનો નફો ૧૧ ટકા વધ્યો હતો. સ્વીગી રૂ. ૧૧,૩૨૭.૪૩ કરોડના આઇપીઓ સાથે છઠી નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. સેગીલીટી ઇન્ડિયા રૂ. ૨,૧૦૬.૬૦ કરોડના પાંચમી નવેમ્બરે મૂડીબજારમાં પ્રવેશી રહી છે.
નિફ્ટીમાં સૌથી વધુ ઘટનારા શેરોમાં ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસીસ, ટીસીએસ, વિપ્રોનો સમાવેશ હતો, જ્યારે સિપ્લા, એલએન્ડટી, ડો રેડ્ડીઝ લેબ્સ, હીરો મોટોકોર્પ અને ઓએનજીસીનો ટોપ ગેઇનરમાં સમાવેશ હતો.
સેકટરલ ધોરણે આઇટી ઇન્ડેક્સ લગભગ ત્રણ ટકા, એફએમસીજી ઇન્ડેક્સ લગભગ એક ટકા અને બેન્ક ઇન્ડેક્સ ૦.૫ ટકા ઘટ્યો હતો. જોકે, ફાર્મા અને મીડિયા ઈન્ડેક્સ ૧.૫ ટકા વધ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ ૦.૩ ટકા ઘટ્યો હતો, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સ ૧.૬ ટકા વધ્યો હતો. અમી ઓર્ગેનિક્સ, અનુપ એન્જિનિયરિંગ, અરવિંદ સ્માર્ટસ્પેસ, ક્રિસિલ, ફોર્ટિસ હેલ્થકેર, જિલેટ ઈન્ડિયા, જગસનપાલફાર્મા, કાઈટેક્સ ગાર્મેન્ટ્સ, પરદીપ ફોસ્ફેટ્સ, પિરામલ ફાર્મા, પોલી મેડિક્યોર, પ્રુડન્ટ એડવાઈઝર, શારદા ક્રોપ, સુવેન ફાર્મા, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર ઈન્ડિયા, વી-માર્ટ રિટેલ, વોકહાર્ટ સહિતના ૧૬૦થી વધુ શેરોએ બીએસઇ પર તેમની બાવન સપ્તાહની ઊંચી સપાટીને સ્પર્શી હતી.
રોકાણકારો માટે આ દિવાળી ખૂબ ઝાંખી રહી છે. વાઘબારસ અને ધનતેરસના દિવસે ચમકારો બતાવીને કાળીચૌદસ અને દિવાળીના મુખ્ય દિવસે શેરબજારે રોકાણકારોની આશાના દીપક બુઝાવી દીધા હતા. ઑક્ટોબર મહિનામાં શેરબજારે કોરોનાકાળના ૨૦૨૦ના કડાકા પછીની સૌથી નિરાશાજનક કામગીરી નોંધાવી છે. વિદેશી ફંડોની એકધારી વેચવાલી અને એક જ મહિનામાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ બજારને પછાડનાર મુખ્ય પરિબળ રહ્યું હતું. ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (ડીઆઇઆઇ) અને રીટેલ ઇન્વેસ્ચર્સનો બજાર પર વિશ્ર્વાસ અકબંધ રહ્યો છે, પરંતુ એફઆઇઆઇની વેચવાલીનું દબાણ ઘટવું આવશ્યક છે. હાલ કોર્પોરેટ ક્ષેત્રની બીજા ક્વાર્ટરની કમાણીના નબળા આંકડાને જોતાં અપટ્રેન્ડ ટકી રહેવાની શક્યતા નથી. આ દિવાળીએ બજારમાં આતશબાજી જોવા મળે તેવી શક્યતા નથી. અમેરિકા અને જાપાનના બજારોએ સકારાત્મક વળતર આપ્યું છે અને ચીન અને હોંગકોંગે ભારે આઉટપરફોર્મ કર્યું છે ત્યારે ભારત ઓક્ટોબરમાં નિફ્ટીના લગભગ છ ટકાના ઘટાડા સાથે અંડરપરફોર્મ કરી રહ્યું છે. ભારતનું નીચું પ્રદર્શન, ઉચ્ચ મૂલ્યાંકન, વિદેશી ફંડીના અવિરત વેચાણ અને કોર્પોરેટ ક્ષેત્રની ધીમી કમાણી વૃદ્ધિ જેવી ચિંતાઓ તેજીને અવરોધી રહી છે.