મુંબઈ : સેબીના(SEBI)વડા માધવી પુરી બુચ વધુ એક વિવાદમાં સપડાયા છે. જેમાં તેમની પર અધિકારીઓએ ઓફિસનું વાતાવરણ ઝેરીલું બનાવવાનો આક્ષેપ મૂક્યો છે. આ ઉપરાંત સહકર્મચારીઓ સાથે ગેરવર્તન અને અપશબ્દોનો ઉપયોગ કરવા જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા છે.
સેબીના અધિકારીઓએ સરકારને ફરિયાદ કરી હતી
એક અખબારના અહેવાલ અનુસાર આ આરોપો સેબીના ચેરપર્સન પર સેબીના અધિકારીઓએ જ લગાવ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સેબીના અધિકારીઓએ માધવી પુરી બુચના ખરાબ વર્તન અંગે સરકારને ફરિયાદ કરી છે અને તેમના પર વર્ક કલ્ચરને બગાડવાનો આરોપ મૂક્યો છે. સેબીના અધિકારીઓએ ગયા મહિને નાણા મંત્રાલયને આ ફરિયાદ કરી હતી.
કર્મચારીઓ સાથે ગેરવર્તન કરે છે
રિપોર્ટ અનુસાર સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલયને પત્ર લખીને તેમની ફરિયાદોની જાણકારી આપી છે. તેમનું કહેવું છે કે માધવી પુરીએ ઓફિસમાં ઝેરીલા વાતાવરણને પ્રોત્સાહન આપ્યું છે. તેમના કાર્યકાળ દરમિયાન સભાઓમાં લોકો પર બૂમો પાડવી અને તેમને બધાની સામે અપમાનિત કરવા એ સામાન્ય બની ગયું છે. જોકે, સેબીનું કહેવું છે કે આ મુદ્દો ઉકેલાઈ ગયો છે.
ફરિયાદમાં 500 કર્મચારીઓએ સહી કરી હતી
તાજેતરના વિવાદ વિશે વાત કરતા અખબારે દાવો કર્યો છે કે તેમણે સેબીના અધિકારીઓ દ્વારા 6 ઓગસ્ટના રોજ નાણા મંત્રાલયને મોકલવામાં આવેલ પત્ર જોયો છે. જેમાં સેબીના વડા પર ઓફિસના વાતાવરણને બગાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જ્યારે આ અંગે સેબીનો સંપર્ક કર્યો ત્યારે ઈમેલ દ્વારા જણાવવામાં આવ્યું કે સેબીએ કર્મચારીઓના આ મુદ્દાને પહેલેથી જ ઉકેલી દીધો છે. રિપોર્ટ અનુસાર મંત્રાલયને મોકલવામાં આવેલા ફરિયાદમાં સેબીના 1000 માંથી લગભગ 500 કર્મચારીઓની સહી છે.