તેલીબિયાંમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની તક ચૂકી જતું અંદાજપત્રઃ ખાદ્યતેલ ઉદ્યોગ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ નાણાં પ્રધાને આજે રજૂ કરેલું વર્ષ 2026-27નું અંદાજપત્ર અપેક્ષિત દેશની આર્થિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું અને માળખાકીય ક્ષેત્ર અને રોકાણનાં સંયુક્ત વિકાસના સંકેત આપતું રહ્યુ હોવાનું ખાદ્યતેલ ઉદ્યોગના સંગઠન સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશનનાં પ્રમુખ સંજીવ અસ્થાનાએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે અમારું સંગઠન છેલ્લાં ઘણાં સમયથી સરકારને રજૂઆત કરી રહ્યું છે કે દેશમાં ખાદ્યતેલની આયાત કુદકે અને ભૂસકે વધી રહી છે જે સ્થાનિકમાં રાષ્ટ્રની ખાદ્યતેલની સલામતી માટે જોખમી છે આથી સરકારનો નીતિવિષયક હસ્તક્ષેપ કરવો જરૂરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાદ્યતેલમાં આત્મનિર્ભરતાનું લક્ષ્યાંક ધરાવતા હોવાથી અમને આશાવાદ હતો કે અંદાજપત્રમાં આત્મનિર્ભરતાની દિશાનાં પ્રસ્તાવો હશે, પરંતુ કમનસીબે અંદાજપત્રમાં આયાત નિર્ભરતા ઘટાડવા અને સ્થાનિકમાં ઉત્પાદનમાં વધારો કરવા અંગેના કોઈ પ્રસ્તાવ જોવા નથી મળ્યો.
જોકે, હાલનુ રિફાઈન્ડ અને ક્રૂડતેલ પરની ડ્યૂટી તફાવત સાથેનું ડ્યૂટી માળખુ ગ્રાહકો અને ખેડૂતો બન્ને માટે સંતોષજનક હોવાથી તે યથાવત્ રાખવાનો નાણાં પ્રધાનનો નિર્ણય યોગ્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.
વધુમાં દેશમાં લાંબા સમયથી સ્થિર રહેલા નારિયેળના ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્ષેત્ર અને પશુપાલન ઉદ્યોગ માટે જાહેર કરવામાં આવેલા પગલાંઓ આવકાર્ય હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું. નોંધનીય બાબત એ છે કે છેલ્લાં ત્રણ દાયકામા ખાદ્યતેલ ઉદ્યોગમાં ઘણાં ફેરફાર થયા છે.
આપણી ખાદ્યતેલની આયાતનિર્ભરતા વધીને હાલ 60 ટકા જેટલી થઈ ગઈ છે. આ પરિસ્થિતિ પાછળનું મુખ્ય કારણ એ છે કે સ્થાનિકમાં તેલીબિયાંનું ઉત્પાદન સ્થાનિક ખાદ્યતેલની વપરાશી માગને પહોંચી વળે તેટલું નથી. દેશમાં ખાદ્યતેલની વાર્ષિક 2.6થી 2.65 કરોડ ટનની વપરાશી માગ સામે ઉત્પાદન 1.1થી 1.15 કરોડ ટન જેટલું હોય છે.



