ડૉલર સામે રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. 375નો અને ચાંદીમાં રૂ. 1300નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો. આમ વૈશ્વિક બજારને અનુસરતા આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં ઘટ્યા મથાળેથી કિલોદીઠ રૂ. 1300નો સુધારો આવ્યો હતો.
જોકે, વૈશ્વિક સોનામાં ટકેલું વલણ રહ્યું હોવા છતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો વધુ 12 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 373થી 375નો સુધારો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નીકળેલી છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે મધ્યસત્ર દરમિયાન વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1300ના ઉછાળા સાથે રૂ. 1,12,300ના મથાળે રહ્યા હતા.
આપણ વાંચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
જોકે, સોનામાં વિશ્વ બજારથી વિપરીત ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 373 વધીને રૂ. 97,436 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 375 વધીને રૂ. 97,828ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની રાબેતા મુજબ માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ જળવાઈ રહેતાં હાજર અને વાયદામાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને અનુક્રમે આૈંસદીઠ 3339.20 ડૉલર અને 3344.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ 0.2 ટકાના સુધરા સાથે આૈંસદીઠ 38.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?
તાજેતરમાં જોવા મળેલા અમેરિકાના આર્થિક ડેટાઓ અર્થતંત્રને ટેકો આપે તેવા રહ્યા છે. તેમ છતાં પરિસ્થિતિ એટલી સાનુકૂળ નથી કે ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અખત્યાર કરે, એમ ઓએએનડીએના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કેગત જૂન મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણમાં 0.6 ટકા વૃદ્ધિ જોવા મળી હતી, જ્યારે આગલા મે મહિનામાં 0.9 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
વધુમાં ગત 12મી જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહે અમેરિકામાં બેરોજગારી ભથ્થુ મેળવનારાની અરજીની સંખ્યામાં પણ અપેક્ષા કરતાં વધુ 7000ના ઘટાડા સાથે 2.21 લાખના સ્તરે રહી હતી. જોકે, રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં બેરોજગારોની સંખ્યા 2.35 લાખના સ્તરે રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો.
આમ એકંદરે અમેરિકાના આર્થિક ડેટામાં જોવા મળી રહેલી સ્થિરતા ફેડરલ રિઝર્વને વ્યાજદર જાળવી રાખવા માટે ટેકો આપી રહી હોવાનું બીએમઆઈનાં વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત આસપાસ વ્યાજદરમાં કપાત કરશે અને ત્યાર બાદ સોનામાં તેજીનું વલણ જોવા મળશે. જોકે, હાલના તબક્કે રોકાણકારોની નજર અમેરિકાની તેના વેપારી ભાગીદાર દેશો સાથેની ટ્રેડ ડીલની વાટાઘાટો પર સ્થિરિ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.