ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં રૂપિયો 24 પૈસા ખાબકીને 88.35ના નવાં તળિયે

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આજે મોડી સાંજે થનારી અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા 0.22 ટકાના ઉછાળા ઉપરાંત છેલ્લાં બે-ત્રણ સત્રથી બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં પણ સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી છે. તેમ જ ભારત અને અમેરિકા વચ્ચે ટૅરિફના મુદ્દે પ્રવર્તી રહેલા તણાવ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 115.69 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં એક તબક્કે 38 પૈસાનું ધોવાણ થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે 24 પૈસા ખાબકીને 88.35ના નવાં તળિયે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.11ના બંધ સામે ભાવ ટૂ ભાવ 88.11ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.11 અને ઉપરમાં ખૂલતી જ 88.11ની સપાટી રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 24 પૈસાના કડાકા સાથે 88.35ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ પૂર્વે ડૉલર સામે રૂપિયાએ ગત બીજી સપ્ટેમ્બરના રોજ 88.15ની નીચી સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ચાર પૈસાનો સુધારો જોવા મળ્યો હતો.
આપણ વાંચો: ફેડરલના ગવર્નર કૂકને દૂર કરવાના સંકેતે ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો
એકંદરે હાલના તબક્કે ડૉલરમાં આયાતકારોની લેવાલી, અમેરિકી ટૅરિફની ચિંતા અને ફેડરલ રિઝર્વની આગામી 16-17 સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠક પૂર્વે આજે અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં રૂપિયો દબાણ હેઠળ રહેતો હોવાનું ફિનરેક્સ ટ્રેઝરીના એડવાઈઝર્સનાં ટ્રેઝરી હેડ અને એક્ઝિક્યુટીવ ડિરેક્ટર અનિલ કુમાર ભણસાળીએ જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં ડૉલર ઈન્ડેક્સ 98ની સપાટી ભણી ધસમસી રહ્યો છે અને ક્રૂડતેલના ભાવ ધીમી પણ મક્કમ ગતિથી વધી રહ્યા હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ આવી રહ્યો છે. અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 88.25થી 88.75 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ 0.22 ટકા વધીને 97.99 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધ્યા મથાળેથી 0.25 ટકા ઘટીને બેરલદીઠ 67.32 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી રૂપિયાને અમુક અંશે ટેકો મળ્યો હોવાનું બજાર વર્તુળોએ જણાવ્યું હતું.