ઈક્વિટી માર્કેટમાં સુધારો અને અમેરિકા સાથે ટ્રેડ ડીલના આશાવાદ વચ્ચે ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો | મુંબઈ સમાચાર
વેપાર

ઈક્વિટી માર્કેટમાં સુધારો અને અમેરિકા સાથે ટ્રેડ ડીલના આશાવાદ વચ્ચે ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે જોવા મળેલા સુધારાતરફી વલણ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ વચ્ચે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ઘટ્યા મથાળેથી સાત પૈસા ઊંચકાઈને 88.22ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ, અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે અમુક રોકાણકારોના સાવચેતીના અભિગમ ઉપરાંત માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી જળવાઈ રહેતાં રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.29ના બંધ સામે સુધારાના અન્ડરટોને 88.21ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.35 અને ઉપરમાં 88.15ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાત પૈસાના સુધારા સાથે 88.22ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 10 પૈસા તૂટ્યો હતો.

આપણ વાચો: આરબીઆઈની પૉલિસીની જાહેરાત પશ્ચાત્‌‍ ડૉલર સામે રૂપિયો નવ પૈસાના સુધારા સાથે ઐતિહાસિક તળિયેથી પાછો ફર્યો

તાજેતરમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ થવાના આશાવાદ સાથે ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને બે્રન્ટ ક્રૂડતેલના ભાવ દબાણ હેઠળ રહેતાં હોવાથી ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળી શકે, તેમ છતાં માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી સુધારો મર્યાદિત માત્રામાં જોવા મળે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે ડૉલર સામે રૂપિયાની રેન્જ 87.85થી 88.60 આસપાસની રહે તેમ જણાય છે.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.21 ટકા વધીને 98.87 અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.22 ટકા વધીને બેરલદીઠ 65.54 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 368.97 પૉઈન્ટનો અને 117.70 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 10,339.80 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button