Top Newsવેપાર

રૂપિયાની નરમાઈ અને વિશ્વ બજાર પાછળ ચાંદીમાં રૂ. 1585નો અને સોનામાં રૂ. 747નો સુધારો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો જોવા મળ્યો હોવાના નિર્દેશ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડતાં આયાત પડતરોમાં વધારો થવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 744થી 747નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1585નો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક ચાંદીમાં 1.9 ટકા જેટલો ઉછાળો આવ્યાના સંકેતો સાથે સ્થાનિકમાં પણ 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી જોવા મળી હતી. આ સિવાય ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1585 વધીને રૂ. 1,78,10ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને રૂપિયામાં નરમાઈનું વલણ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 744 વધીને રૂ. 1,28,077 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 747 વધીને રૂ. 1,28,592ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચી સપાટીએથી રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ પાંચ સપ્તાહની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 4225.11 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 4225.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.9 ટકા ઉછળીને આૈંસદીઠ 58.19 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદને ટેકે સોનામાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું એફએક્સટીએમનાં રિસર્ચ એનાલિસ્ટ લુકમાન ઓટુનુગાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગત બુધવારે જાહેર થયેલા અમેરિકાના ખાનગી રોજગારીના ડેટા પણ વ્યાજદરમાં કપાતની તરફેણમાં રહ્યા હતા. વધુમાં તાજેતરમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત કરશે કે નહીં તે અંગે થરૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં પણ 100 અર્થશાસ્ત્રીઓએ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટના કાપની શક્યતા વ્યક્ત કરી હતી.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button