ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના અહેવાલ તેમ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં ચોખ્ખી લેવાલી રહી હોવાના નિર્દેશ છતાં આજે વિશ્ર્વ સહિત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બોલાયેલા કડાકા ઉપરાંત બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૭૬ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૭૩ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૭૪ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૭૬ અને ઉપરમાં ૮૩.૭૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસા ઘટીને ૮૩.૭૬ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગઈકાલે અમેરિકાના ફેક્ટરી આઉટપૂટ ડેટા નબળા આવ્યા હોવાથી આજે વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ રહેતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંભવિત બજારમાં હસ્તક્ષેપને કારણે રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૮૮૫.૬૦ પૉઈન્ટનો અને ૨૯૩.૨૦ પૉઈન્ટનો કડાકો બોલાઈ જવા ઉપરાંત વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨૮ ટકા વધીને બેરલદીઠ ૭૯.૭૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો. જોકે, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૨૦૮૯.૨૮ કરોડની ચોખ્ખી લેવાલી તેમ જ આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૨૭ ટકા ઘટીને ૧૦૩.૯૨ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.