વેપાર

ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગત મંગળવારના બંધ સામે ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૪૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગત મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના અહેવાલને ધ્યાનમાં લેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો.

ગઈકાલે મહારાષ્ટ્ર દિન નિમિત્તે બજાર સત્તાવાર ધોરણે બંધ રહ્યા બાદ આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત સોમવારનાં ૮૩.૪૩ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૪૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૯ અને ઉપરમાં ખૂલતી જ ૮૩.૪૧ની રેન્જમાં અથડાઈને અંતે ત્રણ પૈસા ઘટીને ૮૩.૪૬ની સપાટીએ બંધ રહ્યો હતો. ગત એપ્રિલ મહિનામાં દેશનો મેન્યુફેક્ચરિંગ પર્ચેઝિગ મૅનૅજર્સ ઈન્ડેક્સ આગલા માર્ચ મહિનાના ૫૯.૧ સામે ઘટીને ૫૮.૮ની સપાટીએ રહ્યો હોવાના અહેવાલે આજે રૂપિયો દબાણ હેઠળ આવ્યો હતો, પરંતુ ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહેતાં ઘટાડો સિમિત રહ્યો હોવાનું બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૩.૨૫થી ૮૩.૭૦ની રેન્જમાં અથડાતો રહેશે.

જોકે, ક્રૂડતેલના વૈશ્ર્વિક ભાવમાં ઘટાડો જોવા મળશે તો રૂપિયાને ટેકો મળતો રહેશે.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૪ ટકા વધીને ૧૦૫.૬૭ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના નીચા મથાળેથી ૦.૯૧ ટકા વધીને બેરલદીઠ ૮૪.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૨૮.૩૩ પૉઈન્ટનો અને ૪૩.૩૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગત મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૦૭૧.૯૩ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલને કારણે રૂપિયાને થોડાઘણાં અંશે ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button