વેપાર

ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં ડૉલર સામે ભારત સહિતના એશિયન ચલણો નબળા પડવાની સાથે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં ડૉલર સામે રૂપિયો સાધારણ ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૩૭ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૫૫.૫૩ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૩૪ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૩૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૮૩.૩૩થી ૮૩.૩૮ની રેન્જમાં અથડાઈને અંતે ત્રણ પૈસા ઘટીને ૮૩.૩૭ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સ્થાનિક બજારમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી ઉપરાંત ડૉલર સામે એશિયન ચલણો નબળા પડ્યા હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ગઈકાલે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું બીએનપી પારિબાસનાં રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા ઘટીને ૧૦૩.૭૩ આસપાસ અને બ્રેન્ચ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટ્યા મથાળેથી ૦.૨૮ ટકા વધીને બેરલદીઠ ૮૧.૬૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button