ડૉલર સામે રૂપિયો સાત પૈસા નરમ

મુંબઈ: આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગેકૂચ જળવાઈ રહી હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી રહેતાં ગઈકાલે વધુ રૂ. ૧૨૬૧.૧૯ કરોડની વેચવાલી રહી હોવાના અહેવાલે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે સાત પૈસા ઘટીને ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો. આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૨૨ના બંધ સામે ભાવ ટૂ ભાવ ૮૩.૨૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૯ અને ઉપરમાં ૮૩.૨૨ની રેન્જમાં અથડાઈને અંતે સાત પૈસા ઘટીને સત્રની ઊંચી ૮૩.૨૯ની સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદર યથાવત્ રાખ્યાના નિર્દેશો સાથે આ વર્ષમાં અત્યાર સુધીમાં એશિયન ચલણોમાં રૂપિયો ઉત્કૃષ્ઠ દેખાવ સાથે બીજા ક્રમાંકે રહ્યો છે અને રિઝર્વ બૅન્ક રૂપિયાને ૮૩.૨૯ની સપાટીથી વધુ ઘટવા નથી દેતી એમ, બીએનપી પારિબાસના ફંન્ડામેન્ટલ કરન્સી ઍન્ડ કૉમૉડિટીઝનાં એસોસિયેટ વાઈસ પ્રેસિડૅન્ટ પ્રવીણ સિંઘે જણાવ્યું હતું. દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૧૫ ટકા ઘટીને ૧૦૫.૯૬ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ૦.૧૫ ટકા ઘટીને બેરલદીઠ ૮૬.૭૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.