ડૉલર સામે રૂપિયો વધુ 10 પૈસા તૂટ્યો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં જોવા મળેલી વેચવાલી ઉપરાંત માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો વધુ 10 પૈસા તૂટીને 88.29ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.19ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.34ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.40 અને ઉપરમાં 88.23ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 10 પૈસા ઘટીને 88.29ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે રૂપિયામાં 36 પૈસાનો કડાકો બોલાયો હતો.
એકંદરે હાલના તબક્કે માસાન્તને કારણે આયાતકારોની ડૉલરમાં લેવાલી અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈના વલણને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે તેમ છતાં ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદને ધ્યાનમાં લેતા ઘટાડો મર્યાદિત રહી શકે, એમ મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવ્યું હતું.
દરમિયાન આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 150.68 પૉઈન્ટનો અને 29.85 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 55.58 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો.
જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.09 ટકા ઘટીને 98.69 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.74 ટકા ઘટીને બેરલ દીઠ 64.48 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ગત 27મી ઑક્ટોબર સુધીમાં ભારતની અમેરિકાથી ક્રૂડતેલની આયાત વર્ષ 2022 પછીની સૌથી ઊંચી પ્રતિદિન 5.40 લાખ બેરલની સપાટીએ રહી હોવાનું કેપ્લરે આંકડાકીય માહિતીમાં જણાવતાં ઉમેર્યું હતું કે રશિયાથી વિકેન્દ્રિત થઈને અમેરિકાથી આયાતમાં થયેલી વૃદ્ધિ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના વેપાર દૂર કરવાના પ્રયાસ તરીકે ગણી શકાય.



