ડૉલર સામે રૂપિયો ૩૭ પૈસા ખાબકીને નવા તળિયે
મુંબઈ: અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા હેઠળ આજે વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા ધોવાણ ઉપરાંત મધ્ય પૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની ભીતિ હેઠળ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આગલા બંધ સામે ૩૭ પૈસા ખાબકીને ૮૪.૦૯ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં કંઈક અંશે ધોવાણ ઓછું રહ્યું હોવાનું ટ્રેડરોએ ઉમેર્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૭૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૭૮ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૯ અને ઉપરમાં ૮૩.૭૬ની રેન્જમાં અથડાઈને અંતે ૮૪.૦૯ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હતો. ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના વાયદામાં ઘટાડો અમુક અંશે રૂપિયાને ટેકો આપે તેમ જણાય છે. તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૩૧૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.