ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો | મુંબઈ સમાચાર
વેપાર

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલના આશાવાદે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ જોવા મળી હોવા છતાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં લેવાલી રહી હોવાના નિર્દેશો તથા અમેરિકા સાથે ટ્રેડ ડીલ થઈ જવાના આશાવાદ અને સંભવિતપણે રિઝર્વ બૅન્કે ગગડતા રૂપિયાને ટેકો આપવા માટે કરેલા હસ્તક્ષેપને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે 88.16ના મથાળે બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 88.20ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 88.22ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 88.34 અને ઉપરમાં 88.06ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે 88.16ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 35 પૈસા ગબડ્યો હતો.
દરમિયાન ગઈકાલે ભારત ચેમ્બર ઑફ કૉમર્સ ખાતે યોજાયેલા એક વાર્તાલાપના સત્રમાં ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી અનંથા નાગેશ્વરને 30 નવેમ્બર પછી અમેરિકા દ્વારા અમુક ચીજો પર લાદવામાં આવેલી દંડાત્મક ટૅરિફ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. તેમ જ આગામી આઠથી દસ સપ્તાહમાં અમેરિકા સાથે ટૅરિફની બાબતોમાં સમાધાન થઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.17 ટકા વધીને 97.51 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 387.73 પૉઈન્ટનો અને 96.55 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. તેમ છતાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.59 ટકા ઘટીને બેરલદીઠ 67.04 આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 366.69 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી અને રિઝર્વ બૅન્કના શક્યતઃ હસ્તક્ષેપને ટેકે રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button